લખનઉ- રામમંદિર વિવાદ મુદ્દે મધ્યસ્થી કરવા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. અને અયોધ્યામાં રામમંદિર મુદ્દે તેમણે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર મુદ્દે વિવાદમાં મધ્યસ્થતાના સવાલ પર આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિ પહેલા કરતાં અલગ છે. લોકો શાંતિપૂર્વક સમાધાન ઈચ્છે છે. તેમણે કહ્યું કે આ અંગેનો પ્રયાસ વર્ષ 2003-04માં પણ કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે સ્થિતિ ઘણી સકારાત્મક છે.
ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ પણ થોડા સમય પહેલાં શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી. રિઝવીએ કહ્યું કે, જે લોકો ખરેખર આ મુદ્દે સમાધાન ઈચ્છે છે, તેમની સાથે રામમંદિર વિવાદ મુદ્દે ચર્ચા થવી જોઈએ. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ બાબરી એક્શન કમિટીના મેમ્બર હાજી મહેબૂબે કહ્યું કે, ઘણા સમય પહેલા શ્રી શ્રી રવિશંકર તરફથી તેમને આ મુદ્દે બોલાવવામાં આવ્યા હતા.
વધુમાં હાજી મહેબૂબે કહ્યું કે, મેં તેમનું સ્વાગત પણ કર્યું હતું પરંતુ બાદમાં અમારી કોઈ ચર્ચા થઈ ન હતી. અને તેમના તરફથી કોઈ સમાચાર પણ મળ્યા નથી. જોકે, હાઝી મહેબૂબે કહ્યું કે, જો રવિશંકર આ વિવાદને ઉકેલવા માટે અમારી સાથે વાત કરશે તો અમને કોઈ જ વાંધો નથી.