નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક રાજકીય ધમાસાણ વચ્ચે પ્રથમ વખત સચિન પાયલટે મૌન તોડ્યું છે. ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં પાયલટે કહ્યું કે, હું કદી પણ ભાજમાં નહીં જોડાઉં. હું કોંગ્રેસ પાર્ટીમાં રહીને જ મારી લડાઈ લડી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટી કંઈ એકલા અશોક ગેહલોત (રાજસ્થાનના મુખ્ય પ્રધાન)ની નથી.
પાર્ટી વિરોધી ગતિવિધિઓને લઈને સચિન પાયલટે કહ્યું કે, હું અત્યારસુધીમાં પાર્ટી વિરુદ્ધમાં કશું બોલ્યો નથી. હું તમામ આરોપનો જવાબ આપીશ. મારી લડાઈ અશોક ગેહલોત સામે છે. હું ભાજપમાં કદી નહીં જોડાઉં. કોર્ટના નિર્ણય પછી પ્રેસ કોન્ફરન્સ કરીશ. જે લોકો મને બદનામ કરી રહ્યા છે એ તમામ લોકો કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે.
મહત્વનું છે કે, સચિન પાયલટની પડખે રહેલા કોંગ્રેસી ધારાસભ્યોએ સ્પીકરની નોટિસ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે રાજસ્થાન સ્પીકરને બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સ્પીકરે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી ટાળવા પર મનાઈ ફરમાવતા હવે બધાની નજર રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય પર રહેલી છે.
પાયલટની ટીમનું કહેવું છે કે, તે પાર્ટીની અંદર રહીને તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પાર્ટી બેઠક પર વ્હિપ લાગૂ ન કરી શકાય. આવું માત્ર વિધાનસભા સદન માટે હોય છે.
તો ગેહલોતના પક્ષનું કહેવું છે કે, બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અને આ લોકો ભાજપ સાથે મળીને પોતાની સરકાર તોડી પાડવાનો પ્રયત્ન કરે છે.
