નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટી હવે સંપૂર્ણ રીતે મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્લાન પર કામ કરતી હોય તેવા અણસાર મળી રહ્યા છે. લોકસભામાં ભલે હારનો સામનો કરવો પડ્યો હોય પણ પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલનો મોર્ચો સંભાળતાની સાથે જ તેમની ટીમે દલિત રાજનીતિ પર ફોકસ કરવાનું શરુ કરી દીધું હતું. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સમયમાં દલિત અને સવર્ણોમાં કયારેક બ્રાહ્મણ પણ કોંગ્રેસની વોટ બેંક હતાં. જોકે, પછીથી રામ મંદિર આંદોલન અને બીએસપી જેવી ક્ષેત્રીય પાર્ટીઓના આગમન બાદ કોંગ્રેસ બંને વોટ બેંકને જાળવી ન શકી અને પરીણામ સ્વરૂપે ઉત્તરપ્રદેશ જેવા મોટ રાજ્યમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ક્ષેત્રીય પાર્ટીઓ નહીં બનવાને કારણે આ રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું પ્રભૂત્વ જાળવી શકી.
હવે આગામી 2020માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ દલિતોને પોતાના તરફ આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આ પ્લાનના ભાગરૂપે જ પ્રિયંકા ગાંધીએ દલિતોના નવા નેતા બનવાનો પ્રયત્ન કરી રહેલા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતાના ઉલ્લંઘનમાં ધરપકડ કરેલા ચંદ્રશેખરને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રિયંકાની ચંદ્રશેખર સાથેની મુલાકાતના સમાચારોથી નારાજ માયાવતીએ એક દિવસ પહેલા જ કોંગ્રેસને સપા-બસપા ગઠબંધનમા સામેલ કરવાની જાહેરાત કરી હતી.
શું હતો લોકસભા ચૂંટણી સમયનો પ્લાન
લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના અનુસૂચિક જાતિ વિભાગના પ્રવક્તા એસપી સિંહે કહ્યું કે, અમે અંદાજે 40 બેઠકો અલગ તારવી હતી કે જ્યાં દલિત મતદાતાઓની સંખ્યા 20 ટકાથી વધારે હોય. એમા 17 આરક્ષિત બેઠકો પણ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે, એ ખોટી ધારણા છે કે, તમામ દલિત મત બસપા ને જ મળે છે. અમે એ મતદાતાઓને અમારી સાથે જોડવાનો પ્રયત્ન કરીશું જે ગયા વખતની ચૂંટણીમાં કોઈ કારણોસર ભાજપ તરફ જતા રહ્યા હતાં. અમે દલિત સમાજને બતાવશું કે, ભાજપ આરક્ષણને ખત્મ કરવા ઈચ્છે છે અને સંવિધાન બદલવા ઈચ્છે છે. ત્યારબાદ પ્રચાર ઝૂંબેશ દરમિયાન જ પ્રિયંકા ગાંધીએ એક કાર્યકર્તા સાથે વાતચીતમાં પૂછયું કે, વિધાનસભા ચૂંટણીની તૈયારી કેવી ચાલી રહી છે.
બીએસપીના 6 ધારાસભ્યોનું કોંગ્રેસમાં જોડાવું રણનીતિનો ભાગ
રાજસ્થાનમાં 6 ધારાસભ્યોનું કોંગ્રેસમાં જોડાણ આ રણનીતિનો જ ભાગ હોઈ શકે છે. જોકે, રાજસ્થાનમાં હમણા કોઈ ચૂંટણી નથી પરંતુ રાજસ્થાનનો આ સંદેશ ઉત્તર પ્રદેશના દલિતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન જરૂર થશે કે હવે બીએસપીના લોકો કોંગ્રેસ તરફ આવી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ પીટીઆઈ ને જણાવ્યું કે, બસપાના ધારાસભ્યોએ તેમની સાથે મુલાકાત કરી અને વિલય અંગે એક પત્ર એમને સોંપ્યો છે. બસપાને છ ધારાસભ્યોમાં રાજન્દ્ર સિંહ ગુઢા, જોગેન્દ્ર સિંહ અવાના, વાઝિબ અલી, લખન સિંહ મીણા, સંદીપ યાદવ અને દીપચંદનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં બીએસપીના 6 ધારાસભ્યોના પક્ષ પલ્ટાને લઈને બીએસપી સુપ્રીમો માયાવતીએ તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસને ભરોસા વગરની અને દગાખોર પાર્ટી ગણાવી. માયાવતીએ ટ્વીટ કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી પર પોતાની ભડાસ ઠાલવી હતી.
પ્રિયંકાની ઉત્તરપ્રદેશમાં સક્રિયતા બીએસપી માટે ખતરો?
ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના અન્ય નેતાઓ કરતા વધુ સક્રિય છે, અને યોગી સરકાર પર સતત શાબ્દીક હુમલાઓ કરી રહી છે. સાથે જ તે દલિત અને આદિવાસીઓના મુદ્દા પર પણ ફોક્સ કરી રહી છે. ઉત્તરપ્રદેશમાં બીએસપીના કદાવર નેતા નસીમુદ્દીન સિદ્દીકીને કોંગ્રેસ પહેલા જ તોડી ચૂકી છે જેથી હવે બીસએપી માટે વધુ ખતરો ઉભો થયો છે. કારણ કે, તેમની પાસે 10 સાંસદ અને 19 ધારાસભ્યો છે. પ્રિયંકા ગાંધી જે રીતે ઉત્તરપ્રદેશમાં સક્રિય છે, તે જોતા એવું લાગે છે કે, તે બસપાની દલિત રાજનીતિને નુકસાન પહોંચાડી શકે છે.