મુંબઈ – ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધમાં દેશમાં અનેક સ્થળોએ થયેલા આંદોલનોને કારણે રેલવેની રૂ. 88 કરોડની કિંમતની સંપત્તિને નુકસાન થયું છે.
પૂર્વીય રેલવે ઝોનમાં રૂ. 72 કરોડનું નુકસાન થયું છે જ્યારે દક્ષિણ-પૂર્વીય રેલવે ઝોનમાં રૂ. 13 કરોડ અને ઉત્તર-પૂર્વ ફ્રન્ટિયર ઝોનમાં રૂ. 3 કરોડનું નુકસાન થયું છે.
રેલવેને બંગાળમાં સૌથી વધારે નુકસાન ગયું છે. ત્યાં દેખાવકારોએ 19 સ્ટેશનો અને 20 ટ્રેનોને આગ લગાડી હતી અથવા તોડફોડ કરી છે. ગઈ 13 ડિસેંબરથી પશ્ચિમ બંગાળ રાજ્યમાં રેલવેને 655 ટ્રેનો રદ કરવી પડી છે.
પૂર્વીય રેલવે વિભાગમાં, હાવરા, સિયાલદાહ અને માલ્દા ડિવિઝનોમાં સૌથી વધારે નુકસાન થયું છે. ત્યાં 127 મેલ/એક્સપ્રેસ ટ્રેનો, 190 પેસેન્જર ટ્રેનો અને 290 લોકલ ટ્રેનો રદ કરવી પડી હતી.
દક્ષિણ-પૂર્વીય રેલવેના ખડગપુર ડિવિઝનમાં 48 ટ્રેનો રદ કરવામાં આવી હતી, છ સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી હતી અને પાંચ ટ્રેનોને આગ લગાડવામાં આવી હતી.
આખા બંગાળ રાજ્યમાં જુદા જુદા રેલવે સ્ટેશનો ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આગ ચાંપવામાં આવી હતી અને રમખાણ કરવામાં આવ્યું હતું.
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું કહેવું છે કે બધા નાના બનાવો હતા અને એ અમુક સ્થળે જ બન્યા હતા. એમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે રેલવે સેવા બંધ જ કરી દીધી હતી. અચાનક અને આડેધડ રીતે ટ્રેનો રદ કરાઈ હોવાને કારણે લોકોને ગંભીર સમસ્યા પડી હતી.
બેનરજીએ કહ્યું કે રેલવે સ્ટેશનોનું રક્ષણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. કેન્દ્રના કમાન્ડ હેઠળ આવતા RPF તથા અન્ય સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લઈ શક્યા નહોતા. રેલવેની સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યોની નથી હોતી.