પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ સૌથી વધારેઃ સર્વેક્ષણ

પણજી – એક સર્વેક્ષણ પરથી એવું માલૂમ પડ્યું છે કે ગોવા અને કર્ણાટક રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી વધારે પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષણ માઈક્રોપ્લાસ્ટિક અને મેક્રોપ્લાસ્ટિકથી થાય છે.

સર્વેક્ષણમાં આ પ્રદૂષણ માટે દરિયાકિનારાઓ નજીક આવેલા પ્લાસ્ટિકના કારખાનાઓ તેમજ વધી ગયેલી પર્યટન પ્રવૃત્તિઓને જવાબદાર લેખાવવામાં આવી છે.

આ સર્વેક્ષણ ગોવાસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી નામની સંસ્થાએ કરાવ્યો હતો. તેના તારણ મુજબ, કર્ણાટક અને ગોવા કરતાં મહારાષ્ટ્રના દરિયાકિનારાઓ પર મેક્રો અને માઈક્રોપ્લાસ્ટિકનો કચરો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આને માટે દરિયાકિનારાઓ નજીકના પ્લાસ્ટિકના કારખાનાઓ, બંદરગાહ વિસ્તારો, પેટ્રોલિયમ ઉદ્યોગો અને વધી ગયેલી પર્યટન પ્રવૃત્તિઓ જવાબદાર છે.

ભારતના પશ્ચિમી દરિયાકાંઠા પર પ્લાસ્ટિકના પ્રદૂષણ વિષય પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. આનું તારણ નેધરલેન્ડ્સ સ્થિત સામયિક ‘કેમોસ્ફીઅર’માં પ્રકાશિત કરવાં આવ્યો છે.

સંશોધકોએ આ સર્વેક્ષણ માટે ભારતના પશ્ચિમી કાંઠાના 10 બીચ પર જઈને અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ પૂરો કરતાં એમને બે વર્ષનો સમય લાગ્યો હતો.

સંશોધકોની આગેવાની ઉક્ત NIO સંસ્થાના વિજ્ઞાનીઓ ડો. મહુવા સહા અને ડો. દુષ્મંત મહારાણાએ લીધી હતી.

સંશોધકોએ દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ રોકવા માટે કેન્દ્ર સરકારને કેટલાક સૂચનો કર્યા છે. એમણે કહ્યું છે કે દરિયાકિનારાઓ પર સિંગલ-યૂઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પ્લાસ્ટિકના રીસાઈક્લિંગની પ્રવૃત્તિ વધારવી જોઈએ અને પ્લાસ્ટિક વિશે જનજાગૃતિ માટેના કાર્યક્રમો અવારનવાર યોજવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે પાંચ મિલિમીટર કરતાં ઓછી લંબાઈના પ્લાસ્ટિકને માઈક્રોપ્લાસ્ટિક કહેવાય છે અને પાંચ મિલિમીટરથી વધુના પ્લાસ્ટિકને મેક્રોપ્લાસ્ટિક કહેવાય છે.

NIO સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રીસર્ચ સંસ્થાનો એક હિસ્સો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]