નવી દિલ્હીઃ રેલમંત્રી પીયૂષ ગોયલે ઉદ્યોગ મંડળ સીઆઈઆઈ દ્વારા આયોજિત એક ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, પ્રાઈવેટ સેક્ટર અનેક રીતે મદદ કરી શકે છે. હુું અનેક માર્ગો લીઝ પર (પટ્ટે આપવા) તૈયાર છું. ખાનગી કંપનીઓ એ માર્ગોની ઓળખ કરે જેની પર તમે ટ્રેન સેવા શરુ કરવા ઈચ્છતા હો. જો તમે ઈચ્છતા હો તો, અમે આપની સાથે નવી રેલવે લાઈનોમાં મૂડીરોકાણ કરવા માટે પણ અમે તૈયાર છીએ. અમે ટ્રાફિક માર્ગોને પટ્ટે આપવા માટે તૈયાર છીએ. અમે પાર્સલ ટ્રેનોને પટ્ટા પર આપવા માટે ઈચ્છુક છીએ. એટલા માટે પ્રાઈવેટ સેક્ટર માટે રેલવેમાં ઘણી તકો છે.
રેલમંત્રીએ કહ્યું કે, પ્રાઈવેટ ક્ષેત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે એક એલિવેટેડ કોરિડોર બાંધવા પર વિચાર કરી શકે છે. કારણકે આમાં જમીન ખરીદવાનો પડકાર હોતો નથી.
માલગાડીની સરેરાશ ગતિ મામલે તેમણે કહ્યું કે, ગત વર્ષે 21 જૂનના રોજ ગતિ 22.98 કિલોમીટર પ્રતિ કલાક હતી અને રવિવારના રોજ 41.74 કિમી પ્રતિ કલાક હતી. તેમણે આશા વ્યક્ત કરી કે, મંત્રાલય આગળ જતા માલના પરિવહનનો રસ્તો બનાવી શકે છે.
ગોયલે કહ્યું કે, અમે લાંબા સમયથી અમૂક કાર્યોને પૂરા કરવા માટે આ સમયનો ઉપયોગ બુદ્ધિમત્તા સાથે કરી રહ્યા છીએ. આ સાથે જ એવી ઘણી લાઈનોને ઈન્ટરકનેક્ટ કરવા માટે પણ આ સમયનો ઉપયોગ કર્યો છે કે જેને લાંબા સમય સુધી શટડાઉનની જરુર હતી.
તેમણે કહ્યું કે, અમે આ સમયનો ઉપયોગ રેલવેના ટાઈમને વધારે ચોક્કસ બનાવવા માટે કરી રહ્યા છીએ. અમે માલ અને પાર્સલ ટ્રેનોને ટાઈમ ટેબલમાં લાવી રહ્યા છીએ, જેથી અમે વ્યવસાયોને ઓછા સમયમાં લાંબા અંતરની ડિલિવરી પ્રત્યે આશ્વસ્ત કરી શકીએ.