નવી દિલ્હીઃ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીની હારને ભૂલાવીને એકવાર ફરીથી પાર્ટીને નવી ધાર આપવામાં વ્યસ્ત બની ગયાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલે એ રાજ્યોના નેતાઓ સાથે ઘણાં દોરની બેઠકો કરવાનો નિર્ણય કર્યો છે કે જ્યાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ બેઠકો આ જ સપ્તાહે થશે. રાહુલ ગાંધીના આ નિર્ણયથી એ લોકોની આશાઓ વધી ગઈ છે કે જેઓ રાહુલને અપીલ કરી રહ્યાં છે કે તમે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ન આપો. રાહુલ ગાંધી આ પદ પર રહેશે કે નહીં તે હવે થનારી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં નક્કી થશે.
અત્યારે તો રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના પોતાના નિર્ણય પર અડગ છે. રાહુલ ગાંધીએ આ જાહેરાત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી મોટી હાર બાદ થયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં કર્યો હતો. આ જાહેરાત બાદ પ્રથમવાર એવું બન્યું છે કે રાહુલે પાર્ટી સંગઠન સાથે જોડાયેલો કોઈ નિર્ણય કર્યો હોય. આ પહેલાં રાહુલ ગાંધી ઘણા દિવસ સુધી તુગલક રોડ સ્થિત પોતાના આવાસમાં બંધ રહ્યાં અને કોઈપણ નેતાને મળવાનો ઈનકાર કરી દીધો.
તો અત્યારે મળી રહેલા સમાચારો અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 27 જૂનના રોજ મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠક ચૂંટણીને લઈને યોજાવાની છે. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રભારીઓને લોકસભા ચૂંટણીમાં રાજ્યોમાં કોંગ્રેસના પ્રદર્શન પર રિપોર્ટ આપવાનો છે. આ રિપોર્ટ પાર્ટીના મહાસચિવ વેણુગોપાલને આપવાનો છે.
આપને જણાવી દઈએ કે રવિવારના રોજ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના એકમોને ભંગ કરી દીધાં હતાં. સૂત્રોનું કહેવું છે કે પાર્ટી પ્રભારીઓની ભલામણો પર રાજ્યના એકમોમાં પરિવર્તન કરવામાં આવશે. અત્યારે રાહુલ ગાંધી ફરીથી એકવાર સક્રિય થવાથી એ વાતના ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે શું તેઓ અધ્યક્ષ પદ પર બની રહેવા માટે માની ગયાં છે કે કેમ?