નીતિ આયોગે જાહેર કર્યો રાજ્યોનો હેલ્થ ઈન્ડેક્સ, કેરળ નંબર વન

0
1359

નવી દિલ્હી– નીતિ આયોગ દ્વારા મંગળવારે દેશભરના રાજ્યોનો સ્વાસ્થ્ય સૂચકઆંક જાહેર કરાર્યો છે. જેમાં મોટા રાજ્યોમાં બિહાર સૌથી નીચલા ક્રમ પર રહ્યું છે જ્યારે કેરળ સૌથી ટોપ પર રહ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ વિશ્વબેંકના ટેકનિકલ સહયોગથી તૈયાર નીતિ આયોગની ‘સ્વાસ્થ્ય રાજ્ય પ્રગતિશીલ ભારત’ના શીર્ષક સાથે જાહેર કરાયેલ રિપોર્ટમાં રાજ્યોને આપવામાં આવેલા રેન્કિંગમાં આ વાત સામે આવી છે.

આ રિપોર્ટમાં ઈન્ક્રીમેન્ટલ રેન્કિંગ એટલે કે, ગત વખતની સરખામણીએ સુધારાના સ્તરને મામલે 21 મોટા રાજ્યોની યાદીમાં ઉત્તરપ્રદેશ 21માં સ્થાન સાથે સૌથી નીચે અને બિહાર 20માં, ઉત્તરાખંડ 19માં અને ઓડિશા 18માં સ્થાન પર છે.

રિપોર્ટ અનુસાર સંદર્ભ વર્ષ 2015 16ની તુલનામાં વર્ષ 2017 18માં સ્વાસ્થ્ય ક્ષેત્રે બિહારનું સંપૂર્ણ પ્રદર્શન સૂચકઆંક 6.35 અંક ઘટ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રદર્શન સૂચકઆંકમાં 5.08 અંક, ઉત્તરાખંડ 5.02 અંક અને ઓડિશાના સૂચકઆંકમાં 3.46 અંકનો ઘટાડો થયો છે.

આ રિપોર્ટમાં ગત વખતની સરખામણીએ સુધારા અને કુલ મળીને સારા પ્રદર્શનના આધારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રણ શ્રેણીમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે. પ્રથમ શ્રેણીમાં 21 મોટા રાજ્યો, બીજી શ્રેણીમાં 8 નાના રાજ્યો અને ત્રીજી શ્રેણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશોને રાખવામાં આવ્યા છે.

સૂચકઆંકમાં સુધારાની દ્રષ્ટિએ હરિયાણાનું પ્રદર્શન સૌથી સારુ રહ્યું છે. તેમના 2017 18ના સંપૂર્ણ સૂચકઆંકમાં 6.55 અંકનો સુધારો નોંધાયો છે. ત્યાર બાદ ક્રમશ: રાજસ્થાન, ઝારખંડ, અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે.

નાના રાજ્યોમાં ત્રિપુરા પ્રથમ સ્થાન પર રહ્યું ત્યાર બાદ ક્રમશ: મણિપુર, મઝોરમ, અને નાગાલેન્ડનું સ્થાન છે. આમાં સૌથી નીચલા ક્રમે અરુણાચલ પ્રદેશ (આઠમાં), સિક્કિમ (સાતમાં) અને ગોવા (છઠ્ઠા) ક્રમ પર છે.

રિપોર્ટ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં દાદરા નગર હવેલી અને ચંદીગઢમાં સ્થિતિ પહેલા કરતા સુધરી છે. આ યાદીમાં લક્ષદ્વીપ સૌથી નીચા અને દિલ્હી પાંચમાં સ્થાન પર છે.

સંદર્ભ વર્ષની સંપૂર્ણ રેન્કિંગમાં ઉત્તર પ્રદેશ સૌથી નીચલા 21માં સ્થાન પર છે. ત્યાર બાદ ક્રમશ: બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, અને ઉત્તરાખંડનું સ્થાન છે. એવી જ રીતે પ્રથમ ક્રમે કેરળ છે ત્યાર બાદ ક્રમશ: આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો ક્રમ આવે છે.