નવી દિલ્હીઃ વર્ષ 2019માં જ્યારે કોંગ્રેસને એ આભાસ થયો કે રાહુલ ગાંધી પરંપરાગત લોકસભા સીટ અમેઠીથી ચૂંટણી હારી શકે છે તો પાર્ટીએ અમેઠી સિવાય રાહુલ ગાંધીને વાયનાડથી ચૂંટણીમાં ઉતાર્યા હતા, પણ આ વખતે શું વાયનાડની સીટ રાહુલ અને કોંગ્રેસ માટે સુરક્ષિત છે? એ એક મોટો સવાલ છે. હાલમાં કેજરીવાલની ધરપકડના વિરોધમાં એકત્ર થયેલા ઇન્ડિયા ગઠબંધનના એક મંચ પર લેફ્ટે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે.
CPIએ રાહુલ ગાંધીની જ વાયનાડ સીટ પર એક મજબૂત ઉમેદવાર ઊભો કર્યો છે. પાર્ટીએ CPI મહાસચિવ ડી. રાજાનાં પત્ની એની રાજાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. અને ભાજપે કેરળ પ્રદેશ ભાજપધ્યક્ષ સુરેન્દ્રનને ઉતાર્યા છે. આવામાં આ સીટ પર મામલો પેચીદો બન્યો છે. વાયનાડથી રાહુલ ગાંધીએ નામાંકન કરી દીધું છે. જોકે અહીં તેમને મુખ્ય પડકાર ભાજપથી વધુ લેફ્ટથી છે. લેફ્ટે વાયનાડની સીટ પર એક ખાસ કેમ્પેન ચલાવ્યું છે- જો રાહુલ અમેઠીથી જીતશે તો તેઓ વાયનાડથી જીત્યા છતાં વાયનાડની સીટ છોડી દેશે.
વાયનાડ માટે મતદાન 26 એપ્રિલે થશે, જ્યારે અમેઠી માટે મતદાન છઠ્ઠા તબક્કામાં થશે, જેના માટે નામાંકન 26 એપ્રિલ અને ત્રીજી મેની વચ્ચે થશે. અત્યાર સુધી અમેઠી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની ઘોષણા નહીં કરીને પાર્ટી એ સંકેત આપી રહી છે કે વાયનાડમાં 26 એપ્રિલે મતદાન પછી રાહુલના નામનું એલાન કરી શકે છે. આ તર્કથી વાયનાડમાં ચાલી રહેલો એજન્ડા મજબૂત થતો દેખઈ રહ્યો છે. જો વાયનાડથી લેફ્ટ દ્વારા કાંટાની ટક્કર મળી તો રાહુલ ગાંધી માટે સંસદ પહોંચવું મુશ્કેલ બનશે.