રાહુલ ગાંધી છે બિશ્નોઇનો ટાર્ગેટ?: ઉડિયા એક્ટરની પોસ્ટથી વિવાદ

નવી દિલ્હીઃ ઉડિયા ફિલ્મ અભિનેતા બુદ્ધાદિત્ય મોહંતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર સોશિયલ મિડિયામાં X પર લખ્યું હતું કે બિશ્નોઇનો આગામી લક્ષ્યાંક રાહુલ ગાંધી અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી હોવાની શક્યતા છે.

તેણે લખ્યું છે કે જર્મની પાસે ગેસ્ટાપો છે… ઈઝરાયેલ પાસે મોસાદ છે… USA પાસે CIA છે.  હવે ભારતની પાસે લોરેન્સ બિશ્નોઈ છે. આ લિસ્ટમાં હવે ઓવૈસી અને રાહુલ ગાંધીનાં નામ હોવાની શક્યતા છે.

મોહંતીની આ પોસ્ટને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ મોહંતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્ય NSUI પ્રમુખ ઉદિત પ્રધાને શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મોહંતી સામે આ પોસ્ટ માટે કાર્યવાહીની માગ કરી છે. જોકે આ પોસ્ટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે. NSUIએ ફરિયાદ સાથે સોશિયલ મિડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ પણ સબમિટ કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે મોહંતીએ સોશિયલ મિડિયા પર જાહેરમાં માફી માગી લીધી છે, તેમણે કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈ પણ રીતે રાહુલ ગાંધીને બદનામ કરવાનો નહોતો.

હવે મોહંતીએ વિવાદિત પોસ્ટ માટે માફી માગતાં ફેસબુક પર લખ્યું હતું કે રાહુલ ગાંધીજી માટે મારી પાછલી પોસ્ટનો હેતુ તેમને નુકસાન પહોંચાડવાનો કે અપમાન કરવાનો નહોતો, તેમને જો કોઈ પણ પ્રકારની ઠેસ લાગી હોય તો હું તેમની મારા દિલથી માફી માગું છું.