નવી દિલ્હી– કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કશ્મીરમાંથી કલમ 370ના પુનર્ગઠન મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બીજા દિવસે પ્રતિક્રિયા આપી છે. રાહુલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, હવે તે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ નથી રહ્યાં જેથી તે આ મુદ્દે બેઠક ન બોલાવી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર કલમ 370 દૂર કરવાને લઈને પહેલાં કોંગ્રેસ પાર્ટીની અંદર સ્થિતિ સ્પષ્ટ ન હતી, પરંતુ હવે પાર્ટીમાં આ નિર્ણયનો વિરોધ કરવા પર સહમતિ બની ગઈ છે. કોંગ્રેસ અનુસાર જેવી રીતે આ કલમને દૂર કરવામાં આવી છે તે પદ્ધતિ યોગ્ય નથી.
મહત્વનું છે કે, કોંગ્રેસના સીનિયર નેતા જનાર્દન દ્વિવેદીએ જમ્મુ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત ક્ષેત્રોમાં વહેચી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું અને પોતાની પાર્ટીથી વિપરીત મંતવ્ય રજૂ કરતાં કહ્યું કે, સરકારે એક ઐતિહાસિક ભૂલ સુધારી છે. દ્વિવેદીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય સંતોષની વાત છે કે, સ્વતંત્રતા વખતે કરેલી ભૂલને સુધારી લેવામાં આવી. આ વર્ષો જૂનો મુદ્દો છે, સ્વતંત્રતા બાદ અનેક સ્વતંત્રતા સંગ્રામ સેનાની નહોતાં ઈચ્છતાં કે, આર્ટિકલ 370 રહે. મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયા શરુથી જ આર્ટિકલ 370નો વિરોધ કરતાં આવ્યાં છે. મારા વ્યક્તિગત વિચારની રીતે જોઈએ તો આ એક રાષ્ટ્રીય સંતોષની વાત છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે જમ્મુ કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ 370 સમાપ્ત કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો….જમ્મુ કશ્મીર અને લદાખમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલા સંબંધિત બે સંકલ્પો અને એક બિલને સોમવારે રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ. બિલના પક્ષમાં 125 મત અને વિરોધમાં 61 મત પડ્યાં. એક સભ્ય ગેરહાજર રહ્યો હતો.
જાણો શું બદલાશે જમ્મુકશ્મીરમાં
પહેલા | હવે |
જમ્મુ કશ્મીરને વિશેષાધિકાર | કોઈ વિશેષાધિકાર નહીં |
ડબલ નાગરિકતા | સિંગલ નાગરિકતા |
જમ્મુ કશ્મીર માટે અલગ ધ્વજ | ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો |
પોલીસ વ્યવસ્થા રાજ્યને આધિન | પોલીસ વ્યવસ્થા કેન્દ્રને આધિન |
આર્ટિકલ 360 (આર્થિક આપાતકાલ) લાગુ નહીં | આર્ટિકલ 360 (આર્થિક આપાતકાલ) લાગૂ |
અલ્પસંખ્યકોને કોઈ આરક્ષણ નહીં | અલ્પસંખ્યકોને આરક્ષણનો લાભ મળવાપાત્ર |
અન્ય રાજ્યોના લોકો જમ્મુ કશ્મીરમાં જમીન કે પ્રોપર્ટી ન ખરીદી શકે | અન્ય રાજ્યના લોકો પણ હવે જમ્મુ કશ્મીરમાં જમીન પ્રોપર્ટી ખરીદી શકશે |
આરટીઆઈ લાગૂ નહીં | આરટીઆઈ લાગૂ |
વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો | કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીરમાં વિધાનસભા કાર્યકાળ પાંચ વર્ષ |
ગૃહપ્રધાન અમિત શાહે એમ પણ કહ્યું કે, જમ્મુ કશ્મીર હમેશાં માટે કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં રહે. જમ્મુકશ્મીરની સ્થિતિ સામાન્ય થયાં બાદ તેને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. અમિત શાહે એમ પણ કહ્યું કે, 370ના કારણે ઘાટીમાંથી આતંકવાદને નાબૂદ કરવો મુશ્કેલ છે.