નવી દિલ્હી- યોગ શીખવીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ઝારખંડની રાજધાની રાંચીની રાફિયા નાઝ ધાર્મિક કટ્ટરપંથીઓના નિશાન પર છે. એક દિવસ અગાઉ જ તેમને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી આપવમાં આવી હતી. ધમકી બાદ પરિવારજનોની ચિંતા વધી ગઈ છે. રાફિયા લાંબા સમયથી બાળકોને યોગ શીખવી રહી છે. રાફિયાનો યોગ પ્રેમ કેટલાક કટ્ટરપંથીઓ જોઈ નથી શકતાં. આ જ કારણે તેમને સતત ધમકીઓ મળી રહી છે. તેમના વિરુદ્ધ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો છે.
રાફિયા નાઝ છેલ્લાં 4 વર્ષથી યોગ શીખવી રહી છે. રાફિયા યોગ ગુરુબાબા રામદેવ સાથે યોગ કરી ચૂકી છે, અને તે પણ 20 હજાર લોકોની સામે. રાફિયા હાલ અનાથ બાળકોને ફ્રીમાં યોગનું શિક્ષણ આપી રહી છે. જ્યારથી રાફિયા કટ્ટરપંથીઓની નજરમાં આવી છે ત્યારથી તેમને ધમકીઓ મળવાનું શરુ થઈ ગયું છે. રાફિયાને ખોટું પરિણામ ભોગવાની ધમકી આપવામાં આવી, તેમના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન પણ થયો. પોલીસ તેમને સુરક્ષા તો પૂરી પાડી છે પરંતુ ધમકી આપનારા સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.
12 મે ની રાતે રાફિયાને ધમકી મળવાનો સિલસિલો ફરી શરુ થયો. તેમના ફોન પર મળેલી ધમકીને રાફિયાએ રેકોર્ડ કરી લીધી. જો કે, હેરાન કરનારી વાત એ છે કે, રાફિયાએ જ્યારે આ અંગેની ફરિયાદ પોલીસને કરી તો પોલીસ તેમના જ ઘરની તપાસ કરવા પહોંચી ગઈ અને તેમના ભાઈને આખી રાત કસ્ટડીમાં રાખ્યો.
તો બીજી તરફ પોલીસ અને પ્રશાસનનું કહેવું છે કે, તે રાફિયાની સુરક્ષાને લઈને એલર્ટ છે. રાંચી રેન્જના ડીઆઈજી અમોલ હોમકર વેણુકાન્તે કહ્યું કે, અમારા અધિકારીઓની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. રાફિયાએ મેઈલ કરી પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મદદ માગી છે.
પોલીસે રાફિયાને ડોરંડા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી છે. રાફિયાનું કહેવું છે કે, અનાથ બાળકોનો કોઈ ધર્મ નથી હોતો. તેમને યોગ શીખવવું મારા માટે સૌથી મોટું પુણ્યનું કામ છે. ધમકી અંગે રાફિયાએ કહ્યું કે, આ પ્રકારની ધમકીઓ છેલ્લાં ત્રણ વર્ષથી મળી રહી છે. પરંતુ છેલ્લા બે મહિનાઓથી સતત ધમકીઓ મળી રહી છે. રાફિયાએ કહ્યું કે, ધમકી આપનારા લોકો કહે છે કે, અપહરણ કરી લેશું, મારી નાખશુ. પરંતુ રાફિયાએ કહ્યું હું હિંમતથી આ લોકોનો સામનો કરીશ.