નવી દિલ્હી- રાફેલ એરક્રાફ્ટ ડીલ પર શરુ થયેલા વિવાદે હજી પણ રાજકીય રંગ પકડ્યો છે. રાજકારણ ઉપરાંત આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદા સાથે સંકળયેલા તમામ દસ્તાવેજો સુપ્રીમ કોર્ટને સુપરત કર્યા હતા.36 રાફેલ વિમાનની ખરીદી માટે કેન્દ્ર સરકારે જે પણ નિર્ણયો કર્યા છે, તે અંગેની તમામ જાણકારી સરકારે અરજીકર્તાને સોંપી દીધી છે. આપને જણાવી દઈએ કે, રાફેલ વિમાન સાથે સંકળાયેલી અરજી વરિષ્ઠ વકીલ એમ.એલ. શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કુલ 9 પાનાનો દસ્તાવેજી અહેવાલ સુપરત કર્યો છે. જેમાં રાફેલ ડીલની તમામ પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
સરકારે દસ્તાવેજમાં જણાવ્યું છે કે, તેમણે રાફેલ ડીલની પ્રક્રિયા-2013 અંતર્ગત આ ખરીદીને અંજામ આપ્યો છે. વિમાન માટે રક્ષા ખરીદ પરિષદની મંજૂરી લેવામાં આવી છે. અને ભારતીય દળે ફ્રાંસના પક્ષકાર સાથે વાતચીત પણ કરી છે.
દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્રાંસના પક્ષકાર સાથે વાતચીત આશરે એક વર્ષ ચાલી અને કરાર પર હસ્તાક્ષર કરતા પહેલાં પ્રધાન મંડળની સુરક્ષા મામલાની સમિતિની મંજૂરી પણ લેવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, રાફેલ ડીલમાં ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં તેમની કોઈ ભૂમિકા નથી. આ સમગ્ર રીતે ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર એટલે કે, દસોલ્ટ એવિએશનના નિર્ણય હતો. તેમાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નહતી.