અયોધ્યા જિલ્લામાં માંસ, શરાબના વેચાણ પર પ્રતિબંધની માગણી

લખનઉ – ફૈઝાબાદ શહેરનું નામકરણ કરાયા બાદ અયોધ્યા જિલ્લામાં હવે માંસ અને શરાબના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે.

નવું નામ પામેલા અયોધ્યા જિલ્લાની ભૌગોલિક સરહદોની અંદર માંસ અને શરાબના વેચાણ પર ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકાર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે.

આ જ પ્રકારનો પ્રતિબંધ મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ તથા રાજ્યમાં અન્ય પવિત્ર ગણાતા સ્થળોએ અને તેની આસપાસ પણ મૂકવામાં આવે એવી ધારણા છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને ઊર્જા પ્રધાન શ્રીકાંત શર્માએ આ વિશેના સંકેતો આપ્યા છે.

હાલ માંસ અને શરાબનાં વેચાણ પરનો પ્રતિબંધ માત્ર અયોધ્યા નગર પૂરતો જ લાગુ છે, પણ હવે એને સમગ્ર અયોધ્યા જિલ્લામાં લાગુ કરવામાં આવશે એવું શ્રીકાંત શર્માના કહેવાનો અર્થ છે.

શર્માએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાંથી સાધુઓ અને સંતોએ એવી માગણી કરી છે કે રાજ્યમાં અનેક પવિત્ર સ્થળોની નજીક માંસ અને શરાબ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. એમણે મથુરામાં શ્રીકૃષ્ણના જન્મસ્થળના વિસ્તારમાં પણ આ બે ચીજવસ્તુનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.