નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આજે CCS ની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન, નાણાં પ્રધાન, રક્ષાપ્રધાન સહિતના નેતાઓ જોડાયાં હતાં અને વડાપ્રધાનના ઘરે મળેલી આ બેઠક આશરે 1 કલાક સુધી ચાલી હતી. પુલવામામાં ગઈકાલે થયેલાં આતંકી હુમલામાં 40 જવાનોની શહીદીને પગલે આ અતિમહત્ત્વની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો હતો કે પાકિસ્તાન માટેનો મોસ્ટ ફેવર્ડ નેશન તરીકેનો દરજ્જો પાછો ખેંચવામાં આવે છે.
CCS ની બેઠક બાદ નાણાંપ્રધાન અરુણ જેટલી અને રક્ષાપ્રધાન નિર્મલા સીતારમને મીડિયાને સંબોધન કર્યું હતું. અરુણ જેટલીએ જણાવ્યું કે CCS દ્વારા પુલવામામાં હુમલાની સમીક્ષા કરવામાં આવી, ચર્ચા પણ થઈ. બેઠકમાં શહીદોને મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બે મીનિટનું મૌન રાખવામાં આવ્યું. તેમણે કહ્યું કે જે જવાનોએ શહાદત વ્હોરી છે તેમના પર દેશને ગર્વ છે. વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ કરવા માટે તમામ સંભવિત પગલાં ભરશે. અરુણ જેટલીએ જણાવ્યું કે બેઠકમાં થયેલા તમામ નિર્ણયોને બહાર ન લાવી શકાય.
પરંતુ અરુણ જેટલીએ જાહેરાત કરી કે ભારત સરકારે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લીધો છે. પાકિસ્તાનને કૂટનીતિક સ્તર પર ઘેરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા શનિવારે એટલે કે આવતીકાલે એક સર્વદલીય બેઠક બોલાવવામાં આવશે અને પુલવામા હુમલા મામલે ચર્ચા કરવામાં આવશે. સર્વદલીય બેઠકની આગેવાની ગૃહ પ્રધાન રાજનાથસિંહ કરશે.
કેન્દ્રીયપ્રધાન અને બીજેપીના નેતા ગિરિરાજસિંહે જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો મુદ્દે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સરકાર આતંકીઓ સાથે ટિટ ફોર ટેટની નીતિ અપનાવે. ગિરિરાજ સિંહે જણાવ્યું કે આતંકવાદીઓને બેટા કહેનારા, અને પાકિસ્તાન જિંદાબાદ કહેનારા લોકો અને આતંકવાદીઓ સાથે એ જ થવું જોઈએ જે પુલવામામાં સીઆરપીએફના જવાનો સાથે થયું.