અવંતિપુરામાં આત્મઘાતી હુમલામાં મરણાંક વધીને 44; રાજનાથ સિંહ આજે શ્રીનગર જશે

નવી દિલ્હી – પાકિસ્તાનસ્થિત ત્રાસવાદીઓએ ગઈ કાલે બપોરે જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં કરેલા ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ વિસ્ફોટ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 44 જવાન શહીદ થયા છે.

એ ભયાનક હુમલાના સંદર્ભમાં જમ્મુ અને કશ્મીરમાંની સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે નવી દિલ્હીમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક મળશે.

આ બેઠકની આગેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેશે. એમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ તથા નાણાં પ્રધાન અરૂણ જેટલી હાજર રહેશે.

જમ્મુ-કશ્મીર રાજ્યમાં 1989ની સાલમાં શરૂ થયેલા આતંકવાદી હુમલાઓમાંનો આ વખતનો હુમલો સૌથી ભયાનક છે. પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર સીઆરપીએફના જવાનોને લઈ જતી એક બસને ટાર્ગેટ બનાવીને એક આત્મઘાતી બોમ્બરે 350 કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલી તથા રસ્તા પર પાર્ક કરી રાખેલી એક એસયૂવી કારનો વિસ્ફોટ કર્યો હતો. એમાં 44 જવાન શહીદ થયા છે.

આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ આજે સવારે 11 વાગ્યે શ્રીનગર પહોંચશે અને સુરક્ષા પરિસ્થિતિનો તાગ મેળવશે.

રાજનાથ સિંહે ગઈ કાલે જ દેશની જનતાને ખાતરી આપેલી કે આ ત્રાસવાદી હુમલાનો જરૂર બદલો લેવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]