સૈન્યને સમય, સ્થાન અને સ્વરૂપની પસંદગી કરવાની ખુલ્લી છૂટઃ પીએમ મોદી

ઝાંસી– પુલવામા આતંકવાદી હૂમલાના એક દિવસ બાદ શુક્રવારે ઝાંસીમાં જાહેરસભાને સંબોધન કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ હૂમલાનો બદલો લેવામાં આવશે. સેના જવાબી કાર્યવાહી કરવા માટે સમય અને સ્થાન નક્કી કરવાની મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીએ કહ્યું છે આપણા જવાનોએ દેશની રક્ષામાં તેમના પ્રાણની આહૂતિ આપી દીધી છે. તેમનું આ બલિદાન વ્યર્થ નહી જાય. પુલવામાના દોષિતોને સજા જરૂર મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આજે ખીબ જ દુઃખી છે. તમારા બધાની ભાવનાઓને હું ખુબ સારી રીતે જાણું છું. સેનાને કાર્યવાહી કરવા માટે પુરી છૂટ આપી દીધી છે. શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય. પાકિસ્તાનની હાલ બહુ જ ખરાબ કરી નાંખી છે. મોટા મોટા દેશોએ પાકિસ્તાનથી અંતર બનાવી દીધું છે. પાકિસ્તાન કટોરો લઈને ભટકી રહ્યું છે. તેની હાલત ખરાબ થઈ ગઈ છે.

વડાપ્રધાને કહ્યું કે સુરક્ષાદળોને આગળની કાર્યવાહી કરવા માટે, સમય કયો રાખવો, સ્થાન કયું રાખવું અને સ્વરૂપ કેવું રાખવું તે નક્કી કરવાની મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અત્યંત ખરાબ સ્થિતીમાં તેઓ ભારત પર આવી હૂમલા કરીને, પુલવામા જેવી તબાહી મચાવીને અમને પણ તેઓ બદહાલ કરવા માંગે છે. પણ તેમની ઈચ્છાઓ પુરી નહી થાય અને દેશના 130 કરોડ લોકો સાથે મળીને તેનો જવાબ આપશે, જડબાતોડ જવાબ આપશે.

પીએમ મોદીએ સભામાં કહ્યું હતું કે અમારો પડોશી દેશ એ ભૂલી રહ્યો છે કે આ નવી રીતિ અને નવી નીતિવાળું ભારત છે. આતંકી સંગઠનો અને તેના આકાઓએ જે હેવાનિયત દર્શાવી છે, તેનો પુરો હિસાબ લેવાશે. હવે બુંદેલખંડને દેશની સુરક્ષા અને વિકાસનું કોરિડોર બનાવવાની ઝૂંબેશ શરૂ થઈ ચુકી છે. ઝાંસીથી આગ્રા સુધી બની રહેલ ડિફેન્સ કોરિડોર દેશને મજબૂત કરવાની સાથે બુંદેલખંડ અને ઉત્તરપ્રદેશના યુવાનોને રોજગારીનો નવો અવસર પણ મળશે. જ્યારે મોટા ઉદ્યોગોની સ્થાપના થાય ત્યારે તેની આસપાસ નાના નાના ઉદ્યોગ પણ સ્થપાય છે. ઝાંસી અને તેની આસપાસના ક્ષેત્રોમાં જે નાના ઉદ્યોગોને છે, તેમને આ કોરિડોરથી ખૂબ લાભ થશે. આ કોરિડોરથી લાખો યુવાનોને સીધી નોકરીઓ મળશે.

વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે ઝાંસી વીરો અને વીરાંગનાની ધરતી છે, અહીંયાથી તેઓ 130 કરોડો લોકોનો સંદેશ આપવા માંગે છે, અમે દેશની સેના પર કોઈ શક નથી. અમને સેના પર ખુબ જ વિશ્વાસ છે. અમે સેનાને તમામ નિર્ણયો લેવાની મંજૂરી આપી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]