નવી દિલ્હી – અનેક એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોનાં એક્ઝિટ પોલ્સમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપની આસાન જીતની શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ એમનાં પક્ષનાં કાર્યકરોને એક ઓડિયો રેકોર્ડિંગ દ્વારા વિનંતી કરી છે કે તેઓ એક્ઝિટ પોલ્સના સર્વેક્ષણોમાં માને નહીં.
ઓડિયો ક્લિપમાં પ્રિયંકા એવું બોલતાં સંભળાય છે કે, કાર્યકર્તા બહેનો અને ભાઈઓ, અફવાઓ અને એક્ઝિટ પોલ્સથી હિંમત હારશો નહીં. એ માત્ર તમારો જુસ્સો તોડવા માટે જ ફેલાવવામાં આવી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) જ્યાં રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગ રૂમ્સ અને કાઉન્ટિંગ રૂમ્સ પર ચાંપતી નજર રાખજો. મને વિશ્વાસ છે કે આપણો સખત પરિશ્રમ આપણને સારાં ફળ અપાવશે.
ઉલ્લેખનીય છે કે, ગયા રવિવાર અને સોમવારે ટેલિવિઝન ચેનલો પર અનેક એક્ઝિટ પોલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી-2019માં ભાજપ-એનડીએ જીતશે અને એ જ ફરી કેન્દ્રમાં સત્તા પર આવશે. મોટા ભાગના એક્ઝિટ પોલ્સે 542 સીટવાળી લોકસભામાં ભાજપને બહુમતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફરી જયજયકારના તારણો રજૂ કર્યા હતા.
સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણી, જે 11 એપ્રિલથી શરૂ થઈ હતી, તે ગયા રવિવારે 19 મેએ સાતમા અને આખરી રાઉન્ડના મતદાન સાથે સમાપ્ત થઈ ગઈ છે. હવે 23 મેએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામની જાહેરાત થશે.