નવી દિલ્હી – પ્રિયંકા ગાંધી-વાડ્રાએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહામંત્રી તરીકેનો હોદ્દો આજથી સંભાળી લીધો છે. પ્રિયંકાને એમનાં ભાઈ અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં પક્ષની બાબતોનો હવાલો સોંપ્યો છે.
પ્રિયંકા આજે બપોરે એમનાં પતિ રોબર્ટ વાડ્રાને પોતાની કારમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસે મૂકી આવ્યાં બાદ પોતાની ઓફિસે પહોંચ્યાં હતાં. ત્યાં તેઓ પક્ષનાં કાર્યકર્તાઓને મળ્યાં હતાં.
રાહુલ ગાંધીએ ગઈ 23 જાન્યુઆરીએ પ્રિયંકાને પક્ષનાં મહામંત્રી અને ઉત્તર પ્રદેશ-પૂર્વનાં ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યાં હતાં.
અકબર રોડ ખાતે કોંગ્રેસનાં મુખ્યાલયમાં પ્રિયંકાને એમની રૂમ રાહુલ ગાંધીની રૂમની બાજુમાં જ આપવામાં આવી છે.
પ્રિયંકાએ એમની રૂમમાં ગણપતિજીની એક મૂર્તિ રાખી છે. કામકાજ સંભાળી લીધાં બાદ પ્રિયંકાએ એમનાં ટ્વિટર હેન્ડલ પર એક જ વાક્યાં લખાણ મૂક્યું છે કે, ‘મેં મારું કામકાજ સંભાળી લીધું છે.’
પ્રિયંકા ગાંધી એમની પ્રથમ સત્તાવાર મીટિંગમાં ગુરુવારે હાજરી આપશે. એ મીટિંગ રાહુલે બોલાવી છે. એમાં પક્ષનાં તમામ મહામંત્રીઓ તથા અનેક રાજ્યોમાં નિમાયેલા ઈન-ચાર્જને હાજર રહેવાનું જણાવાયું છે. એ મીટિંગમાં આગામી લોકસભા ચૂંટણી માટે પક્ષની વ્યૂહરચના ઘડવા વિશે ચર્ચા કરવામાં આવશે.
દરમિયાન, આજકાલ દિલ્હીમાં એક જ ચર્ચા ચાલી રહી છે, ‘પ્રિયંકા ગાંધી આઈ હૈ.’
કોંગ્રેસનાં કાર્યકર્તાઓ પણ નારા લગાવતા જોવા મળ્યા હતા ‘પ્રિયંકા ગાંધી આયી હૈ, નઈ રોશની છાયી હૈ.’
પ્રિયંકાએ મહારાષ્ટ્રના નાગપુરમાંથી ચૂંટણી લડવી જોઈએ એવી પણ માગણી કરવામાં આવી છે. આ માગણી રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા એક પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.
પ્રિયંકા 11 ફેબ્રુઆરીએ લખનઉમાં પહેલો રોડ શો કરવાનાં છે.