હાટની મુલાકાતમાં મોદીએ બતાવ્યો પ્રચારનો હુન્નર…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા ગેટ લોનમાં આયોજિત હુનર હાટ જોવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને પોતાની સાથે જોઈને ત્યાં ઉપસ્થિત કારીગર અને સામાન્ય માણસોનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. હાટનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નક્વી અને હરદીપ પુરીએ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ત્યાં લાગેલા સ્ટોલ્સની મુલાકાત લીધી અને કારીગરો તેમજ સામાન્ય લોકો સાથે વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કુલડી વાળી ચા અને લીટ્ટી ચોખાનો આસ્વાદ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અહીંયા આવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવી દેવામાં આવી હતી. જો કે, સામાન્ય લોકોને તેમની સાથે વાત કરતા નહોતા રોકવામાં આવ્યા. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી નક્વી પણ ઉપસ્થિત હતા.

“કૌશલ કો કામ” જેવી થીમ પર આધારિત આ હાટમાં દેશભરમાંથી શિલ્પકારો, કારીગરો અને શેફ્સ ભાગ લઈ રહ્યા છે. આમાં 50 ટકાથી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં હુનર હાટના માધ્યમથી આશરે 3 લાખ ક્રાફ્ટમેન, શિલ્પકારો અને શેફ્સને રોજગાર ઉપ્લબ્ધ કરાવવામાં આવ્યા છે. અહીંયા 250 થી વધારે સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હુનર હાટનું આયોજન અત્યાર સુધીમાં દિલ્હી સિવાય મુંબઈ, પ્રયાગરાજ, લખનઉ, જયપુર, અમદાવાદ, હૈદરાબાદ, અને ઈન્દોરમાં થઈ ચૂક્યું છે.