નમસ્તે ટ્રમ્પઃ US રાષ્ટ્રપતિની આ કાર બંકરથી જરાય ઊણી નથી

 નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેમની સુરક્ષા-વ્યવસ્થા માટે યુદ્ધ સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. તેમના ભારત પ્રવેશ પહેલાં ટ્રમ્પની વિશેષ કાર ‘ધ બિસ્ટ’  ભારતમાં આવી પહોંચી છે, જે વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ કાર ‘ધ બિસ્ટ’ ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થાય તો અત્યાધુનિક સુવિધાઓ અને હથિયારોથી સુસજ્જ છે. ટ્રમ્પના આગમન પહેલાં અમેરિકી એરફોર્સના વિશેષ વિમાનથી ‘ધ બિસ્ટ’ કાર અમદાવાદ પહોંચી છે. આ કાર જ્યાંથી પણ નીકળી હતી, એ સોશિયલ મિડિયાથી માંડીને ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપરોમાં છવાઈ ગઈ હતી. લોકો આ કારને જોઈને દંગ રહી ગયા હતા.અમેરિકી રાષ્ટ્રપતિની કાર ‘ધ બિસ્ટ’ને હાલ વિશેષ સુરક્ષામાં રાખવામાં આવી છે. ટ્રમ્પ દંપતી જેવાં અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે કે તેવાં આ કારમાં પ્રવાસ કરશે. વળી આ કારનો ડ્રાઇવર પણ એક કમાન્ડો હોય છે.

‘ધ બિસ્ટ’ કારની ખાસિયતો

‘ધ બિસ્ટ’ કારની આગળપાછળ 14 કારો ચાલે છે. ‘ધ બિસ્ટ’ કાર હાલતું ચાલતું બન્કર છે. ચાર વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ લિમોઝિન કારને ડિઝાઇન કરવામાં આવી હતી. ટ્રમ્પ જ્યારે પણ બીજા દેશોની મુલાકાત લે છે ત્યારે આ કારનો જ ઉપયોગ કરે છે.

કોઈ પણ હુમલો બેઅસર

વિશ્વના સૌથી શક્તિશાળી નેતા હોવાને કારણે અમેરિકી રાષ્ટ્રપતિ પર કેટલાય પ્રકારના આંતરરાષ્ટ્રીય જોખમ ઝળૂંબતા હોય છે. આમાં માત્ર આતંકવાદ નહીં પણ અન્ય કેટલાક દેશોના જોખમ પણ હોય છે. જેથી ‘ધ બિસ્ટ’ને એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે કોઈ પણ હુમલાને બેઅસર કરવા માટે સક્ષમ હોય છે. આ કાર પર ગોળીની અને બોમ્બની અસર પણ નથી થતી.  આ કાર દરેક પ્રકારના કેમિકલ અટેકનો સામનો પણ કરી શકે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]