મુંબઈઃ એક તરફ, ટમેટાં સહિત શાકભાજી અતિશય મોંઘાં થતાં સામાન્ય જનતાને પરસેવો છૂટી રહ્યો છે તેવામાં હવે ભારતીયોનાં રસોડાની શાન કહેવાતા મસાલાના ભાવમાં પણ આગ લાગી છે. અનેક શહેરોમાં ટમેટાં પ્રતિ કિલો રૂ. 150-160ના ભાવે વેચાય છે અને શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યાં હવે ભારતીય લોકોનાં ભોજનને સ્વાદિષ્ટ બનાવતા મસાલા પણ મોંઘા થઈ ગયા છે. ગરમ મસાલો તો સામાન્ય માનવીની પહોંચ બહાર થઈ ગયો છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મુંબઈની મસાલા બજારમાં મસાલાના ભાવમાં અચાનક ધરખમપણે વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં મસાલાની કિંમતમાં અત્યંત તેજી જોવા મળી છે. મસાલાના ભાવ ડબલ થઈ ગયા છે. જૂના મસાલા અને નવા મસાલાની કિંમતમાં આસમાન-જમીનનો ફરક આવી ગયો છે. કશ્મીરી મરચું, જે પહેલાં પ્રતિ કિલો રૂ.300-500ના ભાવે વેચાતું હતું, તે હવે રૂ.500-700ના ભાવે મળે છે. જીરું હાલ છૂટક બજારમાં 800 રૂપિયે કિલો મળે છે, તો જથ્થાબંધ બજારમાં એનો ભાવ રૂ.550-680 પ્રતિ કિલો બોલાય છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં હળદરની કિંમત સતત વધી રહી છે.
વાનગીઓનાં સ્વાદને વધારતા ગરમ મસાલાના ભાવમાં તો 80 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
મસાલાના ભાવ વધવાનું કારણ શું?
આ વર્ષે દેશમાં ચોમાસું મોડું બેઠું છે. આખું વર્ષ હવામાન પરિબળ ‘એલ-નિનો વર્ષ’ રહેવાની સંભાવના છે. આની નકારાત્મક અસર અનેક પ્રકારની ખેતી પર પડી છે. મસાલાની મોંઘારત પાછળ ઓછી વાવણી અને ઓછું ઉત્પાદન કારણરૂપ છે. મસાલા બજારના જાણકારોનું કહેવું છે કે મસાલા બનાવવા માટે જે ઉપયોગમાં લેવાય છે તે તરબૂચના બીજની નિકાસ આ વર્ષે વધારવામાં આવી છે, એને કારણે દેશમાં મસાલાના ઉત્પાદન પર માઠી અસર પડી છે.