નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ધીમે ધીમે વધી રહ્યો છે, જેને લઈને લોકોમાં ડરનો માહોલ પણ છે. કોરોના વાઈરસનો ભય હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવશે.
મહત્વનું છે કે, ભાજપના સાંસદ દુષ્યંત સિંહ બોલીવુડ સિંગર કનિકા કપૂરની એક પાર્ટીમાં સામેલ થયા હતા. કનિકા કપૂરને કોરોના વાઈરસ પોઝિટીવ છે. કનિકા કપૂરને મળ્યા બાદ દુષ્યંત સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.
કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયાના ત્રણ દિવસ પછી સાંસદ દુષ્યંતસિંહે 18 માર્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યુપી અને રાજસ્થાનના સાંસદો માટે નાસ્તા પાર્ટી રાખી હતી. આ કાર્યક્રમનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિ કોવિંદની પાછળ ઉભેલા જોવા મળે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કનિકા કપૂરને કારણે અનેક લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આમા સામેલ છે. રાષ્ટ્રપતિએ આગામી આદેશ સુધી તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આ ઉપરાંત દુષ્યંત સિંહ સાથે સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ અલગ કરવામાં આવી રહ્યા અને તે તમામના ટેસ્ટ કરવામાં આવશે
