નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિભિન્ન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશમાં ઉઠેલા યુવાનોના અવાજની વાત કરતા કહ્યું કે, સહમતી અને અસહમતિ લોકતંત્રનું મૂળ તત્વ છે. પ્રણવ મુખર્જીએ ચૂંટણી આયોગ દ્વારા આયોજિત પહેલા સુકુમાર સેન સ્મૃતિ વ્યાખ્યાનને સંબોધિત કરતા કહ્યું કે, ભારતીય લોકતંત્ર સમયની કસોટી પર દરેક વખતે ખરું ઉતર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિભિન્ન મુદ્દાઓ પર લોકોએ પ્રદર્શનો કર્યા, ખાસ કરીને યુવાનોએ આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનો અવાજ બુલંદ કર્યો. સંવિધાનમાં તેમની આસ્થા હ્યદય સ્પર્શનારી છે.
પૂર્વ રાષ્ટ્રપતિને દેશમાં જાહેર આંદોલનો સાથે જોડાયેલા કોઈ મુદ્દાનું નામ લીધા વગર કહ્યું કે, સામાન્ય મત લોકતંત્રની જીવન રેખા છે. લોકતંત્રમાં તમામની વાત સાંભળવા, વિચાર વ્યક્ત કરવા, વિમર્શ કરવા, તર્ક-વિતર્ક કરવા અને ત્યાં સુધી કે અસહમતિનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેઓએ કહ્યું કે, મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની હાલની લહેર ફરી એકવાર આપણા લોકતંત્રના મૂળિયાઓને ઊંડા અને મજબૂત બનાવશે.
મુખર્જીએ દેશમાં લોકતંત્રના મજબૂત આધારનો શ્રેય ભારતમાં ચૂંટણીની સર્વોચ્ચ માન્યતાને આપતાં કહ્યું કે, મારો વિશ્વાસ છે કે દેશમાં ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયાને પવિત્ર અને સર્વોચ્ચ કાયમ રાખવાના કારણે જે લોકતંત્રના મૂળીયા મજબૂત થયા છે. આ બધું ભારતના ચૂંટણી પંચની સંસ્થાગત કાર્યયોજના વિના શક્ય ન થાત.
આયોગે દેશના પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનની સ્મૃતિમાં પહેલું વ્યાખ્યાન આયોજિત કર્યું છે. દેશમાં પહેલી અને બીજી લોકસભાની ચૂંટણી સેનની આગેવાનીમાં જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા, ચૂંટણી કમિશ્નર અશોક લવાસા, સુનીલ ચંદ્રા ઉપરાંત તમામ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર, ચૂંટણી કમિશ્નર અને અન્ય દેશોના ચૂંટણી અધિકારી ઉપસ્થિત હતા.વ્યાખ્યાનને સંબોધિત કરતાં મુખર્જીએ ચૂંટણી આચાર સંહિતાના મહત્વને બરકરાર રાખવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકતાં કહ્યું કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે સંહિતાનું નિષ્ઠાપૂર્વક પાલન થવું જોઈએ. તેઓએ કહ્યું કે આઝાદી બાદથી જ ચૂંટણી પ્રક્રિયાને સુદૃઢ કરવા માટે પંચ દ્વારા કરવામાં આવેલા કારગર ઉપાયોએ ભારતની ચૂંટણી પ્રણાલીને વિશ્વસનીય તો બનાવી છે ઉપરાંત તેની પ્રતિષ્ઠા સમગ્ર દુનિયામાં સ્થાપિત થઈ છે.