તિરુપતિ મંદિરના પરિસરમાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી રાજકીય નેતાઓ સહિત કેટલીક વ્યક્તિઓ મીડિયા સામે રાજકીય અને ભડકાઉ ભાષણો આપતા હોવાની ફરિયાદ થઈ હતી. આ ભડકાઉ ભાષણોની વધતી ફરિયાદને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. મંદિરની શાંતિ અને પવિત્રતા જાળવવા ભગવાન વેંકટેશ્વર મંદિર ખાતે રાજકીય અને નફરત ફેલાવતા ભાષણો પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે તિરુમાલાની શાંતિ જોખમમાં મુકાતા આ પગલું લેવામાં આવ્યું હતું. ટીટીડીએ સ્પષ્ટતા કરી કે, ગોવિંદા જેવા સૂત્રોચ્ચારથી સર્જાતા દિવ્ય વાતાવરણ માટે જાણીતા આ મંદિરની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, ટીટીડીએ કડક વલણ અપનાવતા કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. મંદિરની પવિત્રતા જાળવી રાખવા લોકોને સહયોગ આપવાની અપીલ કરી છે. મંદિર પ્રશાસને તમામ ઉલ્લંઘન કરનારને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. અગાઉ મંદિરની ઓળખ સમા લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના વપરાશના આરોપો બાબતે વિવાદ સર્જાયો હતો. આ દાવાએ વ્યાપક ચર્ચા જગાવી હતી તેમજ વિવિધ રાજકીય વર્તુળોમાંથી ટીકા પણ શરૂ થઈ હતી. દૈનિક સરેરાશ 60 હજાર ભક્તો જ્યાં આવે છે એવું આ મંદિર ધાર્મિક આસ્થા અને રાજકીય નિવેદનોનું કેન્દ્ર બની ગયું. નોંધનીય છે કે, જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની વાય.એસ.જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રાણીની ચરબીવાળું ઘી ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી ઘી વિવાદ શરૂ થયો હતો. ટીડીપીએ પોતાના દાવાના સમર્થનમાં લેબના અહેવાલ પણ રજૂ કર્યા હતાં.