નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા સહિત દિલ્હીમાં થયેલી હિંસા અને તોડફોડની ઘટનામાં ખેડૂત આંદોલનમાં ફૂટ પડી રહી છે, કેમ કે હિંસાથી દુખી થઈને ખેડૂત આંદોલનથી અનેક સંગઠનો અલગ થઈ રહ્યા છે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના સિલસિલામાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ અને મેધા પાટકર સહિત 37 ખેડૂત નેતાઓની સામે પ્રાથમિક કેસ (એફઆઇઆર) નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તેમની સામે તોફાન, અપરાધી ષડયંત્ર, હત્યાનો પ્રયાસ સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હરિયાણાના ધારુહેડામાં આશરે 45 દિવસોથી ધરણાં પર બેઠેલા ખેડૂતો શાહજહાંપુર પરત ફર્યા છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી અને ચિલ્લા બોર્ડર પર ધરણાં કરી રહેલા ભારતીય કિસાન યુનિયન (ભાનુ) પોતાનું આંદોલન પાછું ખેંચ્યું છે.
દિલ્હી પોલીસે યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલવીર એસ. રાજેવાલ સહિત કમસે કમ 20 ખેડૂત નેતાઓને નોટિસ જારી કરી છે. ખેડૂત સંગઠનોએ પોલીસની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને તેમણે નક્કી કરેલી શરતોનું પાલન નથી કર્યું.
દિલ્હી-સહારનપુર માર્ગથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બાગપત પોલીસે હટાવી દીધા છે. લાલ કિલ્લા પર હિંસા અને તોડફોડ મામલે દિલ્હી પોલીસે પંજાબી અભિનેતા અને ગાયક દીપ સિદ્ધુ અને ગેન્ગસ્ટરથી સોશિયલ એક્ટિવિસ્ટ બનેલા લખા સિધાનાની સામે પ્રથમદર્શી કેસ નોંધવામાં આવ્યો છે. ખેડૂત નેતાઓ વચન આપ્યું હતું કે તેઓ દિલ્હી તરફથી માર્ચ કરશે. જોકે એ પછી બાકીના લોકોએ લાલ કિલ્લા તરફ રવાના થયા હતા.