નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક સાથે 14 હજાર કરોડ રુપિયાનું કૌભાંડ કરનારા ડાયમંડ વેપારી નીરવ મોદીના કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. હોંગકોંગમાં EDએ નીરવ મોદીની 255 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલે અત્યાર સુધીમાં નીરવ મોદીની 4 હજાર 744 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.આ અગાઉ EDએ પંજાબ નેશનલ બેન્ક સાથે આચરવામાં આવેલા 13 હજાર કરોડના કૌભાંડ મામલે મેહુલ ચોકસી સહિત અન્યની 218 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તપાસ એજન્સીના મુંબઈ સ્થિત કાર્યલયથી સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યા હતા.
જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી તે હીરાના વેપારી મેહુલ ચોકસી અને નીરવ મોદીના અમેરિકામાં રહેતા સહયોગી મિહિર ભણસાલી અને એ.પી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક કંપનીના નામે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ સૂરતની એક અદાલતે પણ હીરા વેપારી નીરવ મોદીને ટેક્સ ચોરી મામલે ભાગેડૂ જાહેર કર્યો હતો. ડીઆરઆઈએ હીરાની આયાત પર લાગતા ટેક્સની ચોરી મામલે તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.