YSR કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી ઉપર હુમલો

વિશાખાપટ્ટનમ- YSR કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી પર એરપોર્ટ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક યુવકે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો, જેનીથી તેમના ખભામાં ઈજા પહોંચી હતી. હુમલાની ઘટના બાદ જગન મોહનને તાત્કાલીક ત્યાંથી દૂર લઈ જવાયા હતા. આરોપી યુવકની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના વિપક્ષના નેતા છે. આજે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર એક યુવકે નાના તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. જોકે, આ યુવક કોણ છે અને હુમલો શું કામ કર્યો તેને લઈને પોલીસે કંઈ જણાવ્યું નથી.

એરપોર્ટ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જગન મોહન રેડ્ડી એરપોર્ટ લોન્જમાંથી નીકળ્યા ત્યારે આ યુવકે તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના ખભાના ભાગે ઈજા પહોંચી હતી. જોકે ઈજા વધુ ગંભીર નહતી.

પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ જગન મોહન રેડ્ડીને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે અને યુવકે આવું શા માટે કર્યું તે જાણવા પ્રયાસ ચાલુ છે. જગન મહોન રેડ્ડી પર કરાયેલો હુમલો રાજકીય પક્ષ સંબંધિત છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.