CBI ડાયરેક્ટરની જાસૂસી? IB એ કરી આ સ્પષ્ટતા…

નવી દિલ્હી- સીબીઆઈ ડાયેર્કટર આલોક વર્માના નિવાસસ્થાન બહારથી જાસૂસીના શકમંદ તરીકે ઝડપવામાં આવેલાં 4 વ્યક્તિઓ આઈબી ઓફિસર હોવાની પુષ્ટિ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાજા સમાચાર પ્રમાણે આ સ્પષ્ટતા કરતાં આઈબીએ જણાવ્યું કે અતિસુરક્ષિત વિસ્તારોમાં આઈબીની ટીમો કામ કરતી હોય છે.

બબાલ આ હતી…

CBIમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ હવે ઓફિસથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયું છે. આજે CBIના ડાયરેક્ટર આલોક વર્માના ઘરની બહારથી 4 શંકાસ્પદ લોકોને પકડવામાં આવ્યાં હતાં. આ લોકો પર આલોક વર્માના ઘરની બહાર સંદિગ્ધ પ્રવૃતિ કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે તમામની ધરપકડ કરી છે અને હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ તમામ લોકો આલોક વર્માના ઘરની બહાર હોબાળો કરી રહ્યાં હતા. ત્યારબાદ આલોક વર્માના સુરક્ષાગાર્ડે તેમને પકડીને અંદર લઈ ગયા હતા અને પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસે આ તમામ શકમંદ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલાં લોકો પાસેથી IBના (Intelligence Bureau) કાર્ડ મળી આવ્યાં છે. હાલમાં હિલ્હી પોલીસ આ લોકો વિશે વધુ જાણકારી મેળવી રહી છે.

મળતી માહિતી મુજબ આ ચારેય લોકો ગત રાત્રે જ આલોક વર્માના ઘરની બહાર પહોંચી ગયા હતા. CBIમાં સામે આવેલાં લાંચ કાંડ પછી CVCની ભલામણ પર સરકારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને તપાસ ચાલે ત્યાં સુધી રજા પર મોકલી દીધાં છે. આલોક વર્માએ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના પર શુક્રવારે સુનાવણી થશે.