વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ચીનમાંથી જન્મેલા આ વાયરસે અમેરિકા, ઈટલી, યૂરોપ સહિતના અનેક દેશોમાં હાંહાકાર મચાવ્યો છે.  ભારતમાં કોરોના વાયરસની અસર થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી માર્ચના રોજ એટલે કે આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેની સાથે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી શું ખાસ જાહેરાત કરી શકે છે? શું સંદેશો આપી શકે છે? મહત્વનું છે કે અત્યારે દેશ કોરોનાના સ્ટેજ-2માંથી પસાર થઇ રહ્યો છે. પહેલું સ્ટેજ એ હોય છે જ્યાં વાયરસનું સંક્રમણ શરૂ થાય છે. બીજા સ્ટેજમાં ત્યાંથી સંક્રમિત વ્યક્તિ પોતાના ઘર/દેશમાં આવે છે. ત્રીજા સ્ટેજમાં સ્થાનિક સ્તર પર એકથી બીજામાં તેનો પ્રસાર થાય છે અને ચોથા સ્ટેજમાં આ મહામારીનું રૂપ ધારણ કરી લે છે. ઇટલી અને ચીન જેવા દેશ ચોથા સ્ટેજમાં છે.

ભારત હજુ બીજા સ્ટેજમાં છે. તેના પરથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તેને સ્ટેજ-3મા જતો રોકવા માટે પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. ચર્ચા એવી છે કે પીએમ મોદી આખા દેશને લૉકડાઉન કરવાની જાહેરાત કરી શકે છે. કોરોનાની સૌથી ડરામણી તસવીર તો યુરોપના ઇટાલીની છે. આ સ્થિતિમાં ઉત્તરી ઇટલી, ફ્રાન્સની સંપૂર્ણ ગતિવિધિઓને ધીમી કરતા બધાને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. ઓફિસના કામકાજને સંપૂર્ણપણે વર્ક ફ્રોમ હોમમાં ફેરવી દેવામાં આવે.

તેની સાથે જ વડાપ્રધાન મોદી ઝડપથી બદલાતા તાજા ઘટનાક્રમ અને તેને ઉકેલવા માટે સરકારની તરફથી ઉઠાવામાં આવેલા જરૂરી પગલાની માહિતી આપી શકે છે. કોરોના વાયરસના સંક્રમણના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 151 કેસ સામે આવી ચૂકયા છે.

વડાપ્રધાને આની પહેલાં બુધવારના રોજ એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી, જેમાં કોરોના વાયરસને ઉકેલવા અને આ બાબતની તૈયારીઓને મજબૂત કરવા પર ચર્ચા કરી. તેમાં તપાસની સુવિધા અંગે પણ વિસ્તારથી વાત કરાઇ.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના વધતા કેસને રોકવા માટે યુદ્ધસ્તરે તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દરરોજ તેની સમીક્ષા કરી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરા સામે લડવા માટે તંત્રને એલર્ટ રહેવા પર જોર આપ્યું છે. તેમણે અધિકારીઓ અને તકનીકી નિષ્ણાતોને આગળનું પગલું ભરવાને લઇ વિચાર કરવાનું પણ કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસનો મુકાબલો કરવામાં લાગેલી રાજ્ય સરકારો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, સેના અને અર્ધસૈનિક બળોની સાથે પણ અન્ય તમામનો આભાર માન્યો છે.