નવી દિલ્હી – વડા પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા નરેન્દ્ર મોદી એમની ‘મૈં ભી ચોકીદાર’ ઝુંબેશ અંતર્ગત આજે સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમ મારફત લોકોને સંબોધિત કરશે અને દેશના 500 સ્થળોએથી લોકો સાથે સંવાદ કરશે.
વડા પ્રધાન મોદી આજે સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાંથી ‘મૈં ભી ચોકીદાર’ ટાઉનહોલ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત એ લગભગ 500 સ્થળો પર હાજર લોકો સાથે સંવાદ કરશે.
આજનો કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાશે અને એમાં લગભગ પાંચ હજાર જેટલા લોકો સામેલ થાય એવી ધારણા છે.
આ કાર્યક્રમમાં લોકોને વડા પ્રધાન મોદીને સવાલ કરવાનો અને મોદી તરફથી જવાબ સાંભળવાનો મોકો મળશે.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ અમિત શાહથી માંડીને મોદીની કેબિનેટના અનેક સભ્યો પણ હાજર રહે એવી ધારણા છે.
દેશના જુદા જુદા ભાગ ઉપરાંત દિલ્હીના તમામ લોકસભા મતવિસ્તારોમાં પણ વડા પ્રધાન મોદીનું સંબોધન સાંભળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદીએ ભૂતકાળમાં એમ કહેલું કે દેશમાં ભ્રષ્ટાચાર તથા સામાજિક દૂષણોને રોકવા અને દેશ તથા દેશવાસીઓને એનાથી બચાવવા પોતે ચોકીદારની જેમ ઊભા છે. જોકે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ‘ચોકીદાર’ દાવાની સતત ઠેકડી ઉડાવતા રહ્યા છે અને મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ પણ મૂકતા રહ્યા છે. એને પગલે ભાજપે એકદમ આક્રમક રીતે જવાબ આપવાનું નક્કી કર્યું છે.
દેશમાં ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામેની લડાઈમાં પોતે એકલા નથી, દેશનો દરેક નાગરિક પણ મારી સાથે ચોકીદાર છે એમ કહીને વડા પ્રધાને ‘મૈં ભી ચોકીદાર’ સંકલ્પ કર્યો છે. પોતાની સાથે આ સંકલ્પમાં જોડાવાની એમણે લોકોને અપીલ કરી હતી. મોદીએ એમના ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ ઉમેર્યો હતો. વડા પ્રધાનની અપીલના ત્વરિત પ્રતિસાદમાં એમના અનેક સાથી પ્રધાનો, ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ તથા આમ જનતામાંથી અસંખ્ય લોકોએ પણ ટ્વિટર પર પોતપોતાના નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ લગાડી દીધો છે.
httpss://twitter.com/narendramodi/status/1112190255849865216