મોદી સામે વારાણસીથી પ્રિયંકા ચૂંટણી લડે તો…આંકડાઓ શું કહે છે

નવી દિલ્હી- રાયબરેલીમાં જ્યારે એક કાર્યકર્તાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ચૂંટણી લડવાનું કહ્યું તો પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો કે વારાણસીથી કેમ નહીં? જોકે, પ્રિયંકા ગાંધીએ આ જવાબ એકદમ હલ્કા-ફુલ્કા અંદાજમાં આપ્યો હતો, પરંતુ આ વાતને લઈને અટકળો લગાવવાનું શરુ થઈ ગયું છે. શું ખરેખર પ્રિયંકા ગાંધી વારાણસીથી નરેન્દ્ર મોદીને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે?

વાત કરીએ 2014ની લોકસભા ચૂંટણીની તો તે એક સમય હતો જ્યારે વારાણસીમાં કેસરીયા રંગની સામે અન્ય તમામ રંગો હલકા પડી ગયાં હતાં. પરંતુ છેલ્લાં પાંચ વર્ષોમાં ગંગામાં ઘણુ પાણી વહી ગયું છે, અને સવાલ એ વાતને લઈને છે કે, શું કાશી ફરીથી નામો માટે તૈયાર છે, કે પછી અન્ય કોઈ વિકલ્પની શોધમાં છે. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સપા અને બસપાના ગઠબંધને વોટનું ગણિત બદલી નાખ્યું છે. બંનેની સંયુક્ત વોટબેંકે ઘણી સીટો પર સમીકરણો બદલી નાંખ્યા છે. જો પ્રિયંકા ગાંધી અહીંથી તમામ વિપક્ષોના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

2014ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ 5,81,022 મત મળ્યા હતાં. નરેન્દ્ર મોદીએ તેમના નજીકના ફરીફ કેજરીવાલને અંદાજે 3.77 લાખ મતોથી હરાવ્યા હતાં. બીજા સ્થાને રહેવા અરવિંદ કેજરીવાલને 2,09,238 મત મળ્યા હતાં, જ્યારે કોંગ્રેના ઉમેદવાર અજય રાયને 75,614 મત, બીએસપીને અંદાજે 60 હજાર મત, સપાને 45,291 મત મળ્યા હતાં. એટલે કે, સપા-બસપા અને કોંગ્રેસના મત જોડીએ તો આશરે 3.90 લાખ મત થાય. મતલબ કે વડાપ્રધાન મોદીની જીત માટે જેટલા મતોનું અંતર હતું તે સંયુક્ત મત બેંકથી પાછળ રહી જાય છે. સવાલ એ વાતનો છે કે, જેવી રીતે સપા-બસપાએ રાયબરેલી અને અમેઠીમાં તેના ઉમેદવારો ન ઉતારવાનો નિર્ણય કર્યો છે, તેવી રીતે શું પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડશે તો શું આ બંન્ને પક્ષો તેમના માટે રસ્તો સાફ કરી દેશે.

જાતિગત સમીકરણોની વાત કરીએ તો વારાણસીમાં બનિયા મતદાતા અંદાજે 3.25 લાખ છે, જે બીજેપીની વોટબેંક છે. જો નોટબંધી અને જીએસટી બાદ ફેલાયેલા અસંતોષનો ફાયદો ઉઠાવવામાં કોંગ્રેસ સફળ રહી તો, આ મત કોંગ્રેસને મળી શકે છે. તો બીજી તરફ બ્રાહ્મણ મદતાઓની સંખ્યા 2.5 લાખની આસપાસ છે. માનવામાં આવી રહ્યું છે કે, વિશ્વનાથ કોરિડોર બનાવવામાં જે ડિમોલેશન થયું તેમાં સૌથી ઘર બ્રાહ્મણોના છે, અને એસસી, એસટી સંશોધન બીલને લઈને પણ નારાજગી છે. યાદવોની સંખ્યા દોઢ લાખ છે, આ બેઠક પરથી છેલ્લી કેટલીક ચૂંટણીઓથી યાદવ સમાજ ભાજપને જ મત આપી રહ્યાં છે. વારાણસીમાં મુસ્લિમ મતદારોની સંખ્યા ત્રણ લાખની આસપાસ છે. આ વર્ગ તેમને જ મત આપે છે, જે બીજેપીને હરાવવાની ક્ષમતા રાખતો હોય.

ત્યારબાદ ભૂમિહાર 1.25 લાખ, રાજપૂત 1 લાખ, પટેલ 2 લાખ, ચોરસિયા 80 હજાર, દલિત 80 હજાર અને અન્ય જાતિઓમાં 70 હજાર જેટલા મતદાતાઓ છે. આ લોકોના મત થોડા પણ આગળ પાછળ થાય તો, બેઠકોનું ગણિત બદલાઈ શકે છે. આંકડાઓના આ ખેલને જોયા બાદ જો સમજૂતી થઈ ગઈ અને જાતીય સમીકરણોએ સાથે આપ્યો તો પ્રિયંકા ગાંધી મોદીને ટક્કર આપી શકે છે. જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો હાર જીત પહેલાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એક મોટો સંદેશ આપવામાં સફળ રહશે.