કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મિશન પશ્ચિમ બંગાળ અંતર્ગત ઠાકુર નગરમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે બજેટમાં ખેડૂતોને આપવામાં આવેલી રાહતનો ઉલ્લેખ કરતા તેના વખાણ કર્યાં હતાં અને સાથે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર હિંસા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું છે મમતા બેનર્જી સરકાર હિંસા પર શા માટે ઉતરી આવી.
ભારે ભીડને જોતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે રેલીનું દ્રશ્ય જોતાં સમજાયું કે દીદી હિંસા પર શા માટે ઉતરી આવ્યાં. તેમણે કહ્યું કે અમારા પ્રતિ બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્રના બચાવનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર ઉતરી આવ્યા છે. વડાપ્રધાનની રેલીમાં ભીડ એટલી બધી હતી કે ભાગદોડ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ માત્ર 14 મીનિટમાં પોતાનું ભાષણ સમાપ્ત કર્યું હતું.
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીને રેલી પહેલાં સત્તાધારી ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે મારપીટની ઘટના સામે આવી હતી. દુર્ગાપુરમાં મોદીના પોસ્ટરો પર મમતા બેનર્જીના પોસ્ટર લગાવવાના કારણે બંન્ને પાર્ટીના કાર્યકર્તાઓમાં હિંસક ઝડપ જોવા મળી. અલગઅલગ રસ્તાઓ પર લાગેલા વડાપ્રધાન મોદીના પોસ્ટરો પર કાળી શાહી પણ ફેંકવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ પોતાની સભામાં બજેટ પર વાત કરતા જણાવ્યું કે આ તો શરુઆત છે ચૂંટણી બાદ જ્યારે પૂર્ણ બજેટ આવશે તો ખેડૂતો, યુવાનો અને કામગારોની સ્થિતિ વધારે સારી થઈ જશે.
તેમણે જણાવ્યું કે હવે તમને સમજાઈ રહ્યું હશે કે હું આટલાં ખાતાં ખોલાવવા પર આટલું જોર શા માટે આપી રહ્યો હતો. 2 હજાર રુપિયાનો પ્રથમ હપ્તો જલદી જ આપના ખાતામાં આવી જશે. નાના ખેડૂતોને આનાથી મોટી મદદ પ્રાપ્ત થવાની છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેડૂતો સાથે દેવામાફીની રાજનીતિ કરીને ખેડૂતોના ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. તે દળ ખેડૂતોનું ભલું નહોતા કરી રહ્યાં. માત્ર થોડા જ ખેડૂતોને દેવામાફીનો લાભ મળતો હતો. દેવું માફ થયા બાદ ખેડૂત ફરીથી દેવાદાર બની જતા હતા. એટલા માટે જનતાએ સરકારોની નીયત, નીતિ અને નિષ્ઠામાં અંતર કરવું પડશે.