નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકામાં વસતા સૌરાષ્ટ્રના પટેલ સમાજના લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને આ સંબોધન સૌરાષ્ટ્રના પટેલ સંસ્કૃતિ સમાજના કાર્યક્રમને કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસતા પટેલ સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ભારતને વિકસીત દેશ બનાવવાનો છે. જેના માટે દેશમાં આધુનિક ટેકનોલોજી પણ લાવવાની છે. દેશનો એર ટ્રાફિક સતત વધી રહ્યો છે. જેના માટે એક વર્ષમાં 900 વિમાનનો ઓર્ડર કરવામાં આવ્યો છે. અમે ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ છીએ. કારણકે સ્વચ્છતા હશે તો તેનો લાભ ટૂરિઝમને પણ થશે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, તમે ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ નહીં કરો તો કદાચ ચાલશે પણ તમે જ્યારે એક બીજાને મળો ત્યારે પુછજો કે તમે ભારતમાં કેટલા પરિવારને ટૂરિઝમ માટે મોકલ્યા? તમે પ્રયાસ કરો કે, ભારતમાં પાંચ પરિવારને ટૂરિઝમ માટે મોકલો. કારણકે ટૂરિઝમમાં ઓછા ખર્ચે વધુ લોકોને રોજગાર મળી શકે છે.