PM મોદી પહેલી ઓક્ટોબરે 5G સર્વિસને લોન્ચ કરશે

નવી દિલ્હીઃ દેશમાં 5G સર્વિસનો પ્રારંભ પહેલી ઓક્ટોબરથી થઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા માઇલ કોંગ્રેસમાં  5G સેવાઓ લોન્ચ કરશે. પ્રગતિ મેદાનમાં થનારી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ચાર ઓક્ટોબર સુધી ચાલશે. એશિયામાં સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન્સ, મિડિયા અને ટેક્નોલોજી મંચ હોવાનો દાવો કરતી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC)નું આયોજન સંયુક્ત રૂપે ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI) દ્વારા કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા સપ્તાહે કહ્યું હતું કે સરકારે ઓછા સમયમાં સરહદી વિસ્તારોમાં  5G ટેલિકોમ સર્વિસ માટે 80 ટકા કવરેજનું લક્ષ્ય રાખ્યું છે. પહેલા તબક્કામાં દેશભરમાં આશરે 13 શહેરોમાં  5G ટેલિકોમ સર્વિસ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.

તેમણે કહ્યું હતું કે  5Gના ઉપયોગકર્તાઓને 4Gની તુલનાએ 10 ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ મળી શકશે. તેમણે  5Gના વિકિરણ પ્રભાવ સંબંધી આશંકાઓને દૂર કરી હતી. તેમણે કહ્યું હતું કે  5G સેવાથી પેદા થતાં વિકિરણોનો સ્તર WHO દ્વારા અંદાજ કરતાં બહુ નીચે છે.