વિદેશી નેતાઓની સાથે 15થી વધુ દ્વિપક્ષી બેઠક યોજશે PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી G20 સમિટમાં 15 દ્વિપક્ષી બેઠક કરે એવી શક્યતા છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફ્રાંસનમા રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રો સામેલ છે. બે દિવસીય શિખર સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે.  શિખર સંમેલનમાં મુખ્ય અર્થતંત્રોવાળા ગ્રુપના G20ના નેતાઓ ભાગ લેશે અને જળવાયુ પરિવર્તન અને ગરીબી જેવી વિશ્વની કેટલીક ગંભીર સમસ્યાઓ પર ચર્ચા કરશે. આ દરમ્યાન યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પર પણ ચર્ચા સંભવ છે.

G20 સભ્યોના મહેમાનોના આવવાનું શરૂ થઈ ગયું છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ભારત પહોંચી ગયા છે. કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે તેમનું સ્વાગત કર્યું છે. આ સમિટમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સિવાય નવ વધુ દેશોને સમિટમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદી આ આશરે સભ્ય દેશોમાંથી મોટા ભાગના નેતાઓ સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે.બ્રિટિશ પીએમ ઋષિ સુનક બપોરે 1.40 વાગ્યે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાંજે 6:55 વાગ્યે ભારત આવશે. G-20 સમિટ માટે 4 મોટા દેશોના 5 રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી પહોંચશે.

જાપાનના પીએમ ફિમિતો કિશિદા બપોરે 2.15 વાગ્યે, ચીનના વડાપ્રધાન લી કેયાંગ સાંજે 7.45 વાગ્યે, UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન રાત્રે 8 વાગ્યે આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્થાને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ રશિયાનું પ્રતિનિધિત્વ કરશે.

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ આજે સવારે ભારત આવી પહોંચ્યા હતા. તેમજ મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનૌથ અને નાઈજિરિયાના રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુ પણ આવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુનું સ્વાગત મરાઠી ધૂન સાથે કરવામાં આવ્યું હતું. તેઓ G20માં ગેસ્ટ તરીકે સામેલ થવા પહોંચ્યા છે.

G20 સમિટનો એકમાત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંગીતના સમૃદ્ધ વારસા અને શક્તિને દર્શાવવા માટે ભારત સંગીત દર્શનમ કાર્યક્રમ હશે. ‘ગાંધર્વ ઓટોદ્યમ’ નામનો આ કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે. જેમાં હિન્દુસ્તાની સંગીત, કર્ણાટક સંગીત અને ભારતીય લોકસંગીતમાં વપરાતા તમામ પરંપરાગત વાદ્યોને એકસાથે રજૂ કરવામાં આવશે.

દેશના 78 કલાકારો ભારતના 78 પરંપરાગત વાદ્યો વગાડશે. 78 વાદ્યોમાં 34 હિન્દુસ્તાની, 18 કર્ણાટકી અને 26 લોક સંગીતનાં સાધનોનો સમાવેશ થાય છે.આમાં ફિલ્મી ધૂનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સમાપનમાં મિલે સુર મેરા તુમ્હારા તમામ 78 વાદ્યો વડે વગાડવામાં આવશે.