નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરંપરાગત વૈદિક-વિધિ અનુસાર અહીં નવા સંસદભવન સંકુલનું ઉદઘાટન કર્યું છે. એમણે સંકુલ ખાતે તક્તીનું અનાવરણ કરીને ભવનનું લોકાર્પણ કર્યું તે પ્રસંગે એમની સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા તથા અન્ય મહાનુભાવો, સંતો ઉપસ્થિત રહ્યા હતા.
સેંગોલની સ્થાપના કરી
આ રાષ્ટ્રીય પાટનગરમાં નવા સંસદભવન સંકુલની ઈમારતની લોકાર્પણ વિધિ આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ નવી ઈમારતની અંદર સવારે 7.30 વાગ્યાથી તે માટેની પૂજાવિધિ શરૂ કરી હતી. સંતો પાસેથી રાજદંડ (સેંગોલ) મેળવ્યા બાદ મોદી એને નતમસ્તક થયા હતા, દંડવત્ પ્રણામ કર્યા હતા. વૈદિક વિધિનુસાર એમણે સેંગોલની લોકસભાના સ્પીકરની બેઠકની બાજુમાં સ્થાપના કરાવી હતી. તે પ્રસંગે એમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરિવંશ તથા અમુક વરિષ્ઠ કેન્દ્રિય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ટેક્નોલોજી સાથે અને વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલા આ નવા સંસદભવન સંકુલનું ભૂમિપૂૂજન વડા પ્રધાન મોદીએ 2020માં કર્યું હતું. એને રેકોર્ડબ્રેક સમયમાં બાંધવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવા સામે નારાજગી વ્યક્ત કરીને 19 વિરોધપક્ષોએ આજના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.