ફરી પીએમ મોદી કરશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા, આ મુદ્દાઓ મહત્વના…

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 જૂને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જુલાઈ-ઓગષ્ટમાં તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિનાના લોક્ડાઉન દરમિયાન અનેકવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.

રાજ્યો પાસેથી માંગવામાં આવી શકે છે રિપોર્ટ

ચર્ચા એવી ચાલી રહી છે કે પીએમ મોદી તમામ રાજ્યોની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ પાસેથી રિપોર્ટ માંગી શકે છે. જે રીતે અનલોક-1માં આપવામાં આવેલી છૂટછાટ પછી ઉભી થયેલી સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ઉપરાંત, કોરોના સામે લડવા માટે મુખ્યમંત્રીઓ પાસેથી સૂચનો પણ લઈ શકે છે.

દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત માટે અલગ પ્લાન?

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્ર વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં જે રીતે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેના લીધે અહીંના મુખ્યમંત્રીઓ ચિંતામાં મુકાયા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દિલ્હીની સ્થિતિ પણ ભયાનક છે. બીજી તરફ, ગુજરાતમાં પણ કોરોના વાઇરસનો કહેર યથાવત છે. અહીં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પીએમ મોદી આ ત્રણેય રાજ્યોમાં કોરોના સામે લડવા માટે એક અલગ યોજના બનાવી શકે છે.

એવી પણ ચર્ચા છે કે, મુખ્યમંત્રીઓ સાથેની વિડિયો કોન્ફરન્સમાં છૂટછાટના નિયમો કડક કરવામાં આવી શકે છે. કારણ કે અનલોક1માં સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. પંજાબ સરકારે કોરોનાના વધતા જતા કેસને લઈને નિર્ણય કર્યો છે કે, તે રાજ્યમાં નિયમો કડક બનાવશે. આ સ્થિતિમાં અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ વડાપ્રધાન સાથે આ વિષય પર ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત ટ્રેનોના સંચાલને લઈને પણ ચર્ચા થઈ શકે છે.

16 જૂને વડાપ્રધાન મોદી 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે. જેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, પુડુચેરી, લડાખ, દાદર નગર હવેલી, અંદમાન નિકોબાર, દમણ દીવ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જ્યારે 17 જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, ઓડિશાના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે.