નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, ડીપફેક વીડિયો આજકાલ ભારતીય વ્યવસ્થા સામે સૌથી મોટો ખતરો બની ગયા છે. આ પ્રકારના ડીપફેક (નકલી) વીડિયો ભારતીય સમાજમાં અંધાધૂંધી ફેલાવી શકે છે. વડા પ્રધાને પ્રચારમાધ્યમોને વિનંતી કરી છે કે તેઓ આ વધતી જતી ચિંતા વિશે લોકોને વાકેફ કરે.
ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે આયોજિત ‘દિવાળી મિલન’ કાર્યક્રમમાં પત્રકારોને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ડીપફેક વીડિયો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ થાય તો એ વિશે મીડિયા અને નાગરિકો, બંનેએ જાગૃતિ દર્શાવવાની જરૂર છે. આવા નકલી વીડિયો લોકતાંત્રિક વ્યવસ્થાની સંગઠિતતા સામે પડકારસમાન છે. રીયલ અને નકલી વીડિયોને ઓળખવાનું કઠિન બને છે. મેં ChatGpt ટીમને કહ્યું છે કે ડીપફેક્સ વીડિયો બનાવવા માટે AIનો ઉપયોગ ખતરનાક છે. એમણે ડીપફેક્સને જોખમી ઘોષિત કરવા જોઈએ અને આવા વીડિયો ઓનલાઈન મૂકવા સામે ચેતવણી બહાર પાડવી જોઈએ.
ડીપફેક વીડિયોના દૂષણનો ભોગ ખુદ વડા પ્રધાન મોદી પણ બની ચૂક્યા છે. એમણે પોતે જ આજના કાર્યક્રમમાં તે કિસ્સો શેર કર્યો હતો. એમણે કહ્યું કે, ‘મેં તાજેતરમાં જ એક વીડિયો જોયો હતો, જેમાં મને ગરબા રમતો બતાવવામાં આવ્યો હતો. પણ હકીકત એ છે કે હું સ્કૂલના દિવસો પછી ક્યારેય ગરબા રમ્યો જ નથી.’
ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં રશ્મિકા મંદાના, કેટરીના કૈફ, કાજોલ જેવી અભિનેત્રીઓનાં છેડછાડવાળા કે ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયાં છે. આવા વીડિયોમાં મૂળ વ્યક્તિનાં ચહેરાની જગ્યાએ બીજી વ્યક્તિનો ચહેરો મૂકી દેવામાં આવે છે. બાકીનું શરીર મૂળ વ્યક્તિનું હોય છે. કેન્દ્ર સરકારના માહિતી અને ટેક્નોલોજી તથા ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયે ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ચેતવણી બહાર પાડી હતી કે કાનૂની જોગવાઈઓમાં આવા ડીપ ફેક વીડિયોને પણ આવરી લેવામાં આવ્યા છે અને તે બનાવનારાઓ તથા સર્ક્યૂલેટ કરનારાઓને પેનલ્ટી ચૂકવવી પડશે.
