નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો સાથે આજે મુલાકાત કરી. આ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ તમામ એવોર્ડ્સ એક પ્રકારે જીવનની શરુઆત છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ બાળકોને વિભિન્ન ક્ષેત્રોમાં પુરસ્કાર આપી ચૂક્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપ તમામનો પરિચય જ્યારે થઈ રહ્યો હતો હું ખરેખર અચંબિત હતો. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે આપ તમામે અલગ-અલગ ક્ષેત્રોમાં જે પ્રયત્નો કર્યા છે, જે કામ કર્યું છે તે ખૂબ અદભૂત છે. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે આપ તમામે અલગ-અલગ ક્ષેત્રોમાં જે કંઈ કરી બતાવ્યું છે, ત્યારબાદ આપને હવે કંઈક સારુ કરવાની ઈચ્છા થશે. એક પ્રકારે આ જીવનની એક શરુઆત છે. તમે મુશ્કેલીથી ભરપૂર પરિસ્થિતિઓમાં સાહસ બતાવ્યું, અને કોઈએ અલગ-અલગ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે.
વડાપ્રધાને વિદ્યાર્થીઓને જણાવ્યું કે, આઝાદી બાદ આ દેશમાં 33 હજાર પોલીસ જવાન આપણા લોકોની સુરક્ષા માટે શહીદ થયા છે. તે પોલીસ પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. આ સમાજમાં એક બદલાવ શરુ થઈ ગયો છે. આપ બધાએ પોલીસ મેમોરિયલ જોવા માટે જરુર જવું જોઈએ.
વડાપ્રધાને કહ્યું કે, આમતો તમે ખૂબ નાની વયના બાળકો છો પરંતુ આપે જે કામ કર્યું છે તેને કરવાની વાત તો દૂર પરંતુ તે કામ વિશે વિચારવામાં પણ મોટા-મોટા લોકોના પરસેવા છૂટી જાય છે. આપના સાહસિક કાર્યો વિશે જ્યારે હું સાંભળું છું ત્યારે મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ રાષ્ટ્રીય પુરસ્કારોનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરતા પહેલા પશ્ચિમ બંગાળની રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા સુક્રિતીએ કહ્યું કે, આ પુરસ્કારોના માધ્યમથી ભારતના વડાપ્રધાન દેશના યુવાનોને સશક્ત બનાવી રહ્યા છે. મને આ પુરસ્કાર સામાજિક સેવાઓ માટે આપવામાં આવ્યો છે. તો પુરસ્કાર મેળવનારા એક અન્ય બાળક હ્યદયેશ્વર સિંહે કહ્યું કે, મેં વડાપ્રધાન પાસેથી એ વાત શીખી છે કે, દેશ આપણને કંઈક આપી રહ્યો છે તો દેશને આપણે પણ કંઈક આપવું જોઈએ.
દર વર્ષે ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી પહેલા વીર બાળકોને સન્માનિત કરવામાં આવે છે. આની શરુઆત વર્ષ 1957 માં ભારતીય બાળ કલ્યાણ પરિષદે કરી હતી. આ સન્માન તરીકે એક પદક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સામાન્ય સન્માન પણ આપવામાં આવે છે. આ અંતર્ગત પ્રત્યેકને 20-20 હજાર રુપિયાની રકમ આપવામાં આવે છે.