PM મોદીએ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું : લેહ-લદ્દાખની નવી લાઇફલાઇન

નવી દિલ્હીઃ લાહોલ ખીણના લોકો માટે આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું છે. તેમણે વિશ્વની સૌથી મોટી ‘અટલ ટનલ’નું લોકાર્પણ કર્યું છે. આ દરમ્યાન સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા. આ સુરંગ 9.02 કિલોમીટર લાંબી છે. હવે આ ટનલ સામાન્ય લોકોની અવરજવર માટે ખૂલશે.

આ પ્રસંગે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. આ ટનલ સમુદ્ર સપાટીથી 10,000 ફૂટ ઉપર છે, જે લેહને મનાલીથી જોડે છે. આ ટનલ ભારત અને ચીનની સરહદથી બહુ દૂર નથી, તેથી એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PM મોદીએ કહ્યું, ‘અટલ ટનલ’ લેહ, લદ્દાખની લાઇફલાઇન 

વડા પ્રધાન મોદીએ હિમાચલમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા. મોદી અવારનવાર પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે અહીં આવતા હતા. મોદીએ કહ્યું  હતું કે “આજે માત્ર અટલજીનું જ સપનું પૂરું થયું નથી, પરંતુ આજે હિમાચલ પ્રદેશના કરોડો લોકોની દાયકાઓ જૂની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. આજે મને ‘અટલ ટનલ’નું લોકાર્પણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે આ ટનલ મનાલી અને કેલોંગની વચ્ચેનું અંતર 3થી 4 કલાક ઘટાડશે. પર્વતનાં મારા ભાઈ-બહેનો સમજી શકે છે કે પહાડ પર 3-4 કલાકનું અંતર ઘટવાનો મતલબ શો હોય છે. તેમણે કહ્યું હતું કે ‘અટલ ટનલ’ લેહ, લદ્દાખની લાઇફલાઇન બનશે. લેહ-લદ્દાખના ખેડૂતો, બાગાયતી માલિકો અને યુવાનો હવે દેશની રાજધાની દિલ્હી અને અન્ય બજારોમાં સરળતાથી પહોંચી શકશે.

અટલ ટનલ કેમ મહત્ત્વની?

રોહતાંગમાં સ્થિત 9.02 કિલોમીટર લાંબી આ ટનલ મનાલીથી લાહોલ સ્પીતિને જોડે છે. આ ટનલને કારણે મનાલી અને લાહોલ સ્પીતિની ખીણ એકબીજા સાથે જોડાશે. આ પહેલાં બરફવર્ષાને કારણે લાહોલ સ્પીતિ ખીણ વર્ષના છ મહિના સુધી દેશના બાકી હિસ્સા સાથે કપાઈ જતી હતી.

‘અટલ ટનલ’નું નિર્માણ અત્યાધુનિક ટેક્નિકની મદદથી પીર પંજાલની પહાડીઓમાં કરવામાં આવ્યું છે. આ સમુદ્ર તટથી 10,000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. ‘અટલ ટનલ’ના બની જવાથી મનાલી અને લેહની વચ્ચે 46 કિલોમીટર ઓછું થઈ ગયું છે અને બંને સ્થાનોની વચ્ચે લાગતા સમયમાં ચારથી પાંચ કલાકનો ઘટાડો થશે. ‘અટલ ટનલ’નો આકાર ઘોડાની નાળ જેવો છે.

10.5 મીટર પહોળી આ સુરંગ પર 3.6x 2.25 મીટરનું ફાયરપ્રૂફ ઇમર્જન્સી નિકાસ દ્વાર છે. ‘અટલ ટનલ’થી દરરોજ 3000 કારો અને 1500 ટ્રક  80 કિલોમીટરની સ્પીડે નીકળશે.

વળી. અટલ ટનલમાં સુરક્ષા-બંદોબસ્તની પાકી વ્યવસ્થા 150 મીટરના અંતરે ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે.  250ના અંતરે  સીસીટીવીની વ્યવસ્થા છે.