નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી 8 એપ્રીલના રોજ સવારે 11 વાગ્યે કોન્ફરન્સિંગના માધ્યમથી રાજનૈતિક દળો સાથે વાત કરશે. વિડીયો કોન્ફરન્સિંગમાં એ જ દળો જોડાશે કે જેમની પાસે સંસદમાં પાંચથી વધારે સાંસદ છે. વડાપ્રધાન મોદીના આ વિડીયો કોન્ફરન્સિંગની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોરોના વાયરસના મુદ્દાને લઈને વાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી આ દરમિયાન તમામ રાજનૈતિક દળના નેતાઓ સાથે કોરોના વાયરસને રોકવા સિવાય દેશવ્યાપી લોકડાઉનને લઈને ચર્ચા કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં વધતા કોરોના વાયરસના કેસોને લઈને વડાપ્રધાન મોદી સતત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો કરી રહ્યા છે અને આ મુશ્કેલીના સમયમાં દેશવાસીઓને સંદેશ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા ગઈકાલે એક વિડીયો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, રવિવાર એટલે કે પાંચ એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે લાઈટ બંધ કરીને દિવડા પ્રગટાવજો. વડાપ્રધાન મોદીની આ અપીલને સોશિયલ મીડિયા પર લોકોનું અપાર સમર્થન મળી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાજ્યમાં અત્યારસુધી કોરોના વાયરસના 2650 કેસો સામે આવ્યા છે અને 68 જેટલા લોકોના મોત થયા છે. 183 જેટલા લોકોને કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની મહામારીથી દેશને બચાવવા માટે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.