નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં નવી વિધાનસભાની ચૂંટણી યોજવાનો સમય નજીક આવી રહ્યો છે તે પંજાબ રાજ્યના ફિરોઝપુર શહેરની મુલાકાતે આજે જવાના હતા, પરંતુ તે હવે રદ કરી દેવામાં આવી છે. વડા પ્રધાન મોદી આજે રોડ માર્ગે પંજાબમાં પ્રવાસ કરતા હતા ત્યારે એક સ્થળે કેટલાક દેખાવકારોએ અવરોધો મૂક્યા હોવાને કારણે મોદીનો કાફલો એક ફ્લાયઓવર પર 15-20 મિનિટ સુધી અટકી ગયો હતો. આ ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોદીની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી તરીકે ઓળખાવી છે.
પીએમ મોદી આજે સવારે વિમાન દ્વારા ભટિન્ડા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા ખાતે રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે જવાના હતા, પરંતુ વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે એમને 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. વડા પ્રધાનનો કાર કાફલો જ્યારે રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિ.મી. દૂરના સ્થળે આવેલા એક ફ્લાયઓવર ખાતે પહોંચ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે કેટલાક દેખાવકારોએ રોડ પર અવરોધો મૂક્યા હતા. વડા પ્રધાન ફ્લાયઓવર પર 15-20 મિનિટ સુધી અટવાઈ ગયા હતા. આખરે એમના કાફલાએ ભટિન્ડા એરપોર્ટ પરત જવાનું નક્કી કર્યું હતું. પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં આ મોટી ખામી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ખામી માટે જવાબદારી નક્કી કરવા, કસુરવાર સામે કડક પગલું ભરવા અને ઘટના વિશેનો વિગતવાર અહેવાલ કેન્દ્રને મોકલવાનું પંજાબ સરકારને કહ્યું છે. વડા પ્રધાનની મુલાકાત અને એમના પ્રવાસ કાર્યક્રમ વિશે કેન્દ્ર સરકારે પંજાબ સરકારને ઘણું અગાઉથી જણાવ્યું હતું. પ્રક્રિયા મુજબ, પંજાબ સરકારે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવાની હતી. વળી, પંજાબ સરકારે રોડ પર અધિક સુરક્ષા જવાનોને પણ તૈનાત કર્યા નહોતા.