૧૮-વર્ષથી ઉપરનાઓને કેન્દ્ર મફતમાં રસી આપશેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઈરસ રોગચાળાના મામલે આજે ફરી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. કોરોનાની બીજી લહેરે દેશમાં મચાવેલા હાહાકાર વચ્ચે મોદીનું આ બીજું રાષ્ટ્રજોગ સંબોધન હતું. એમણે તેમાં બે મહત્ત્વની જાહેરાત કરીઃ

એક, 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં કોરોના-પ્રતિરોધક રસી આપવામાં આવશે. મોદીએ કહ્યું કે, અનેક સ્તરેથી માગણી ઉઠ્યા બાદ કેન્દ્ર સરકારે રસીકરણ કાર્યક્રમમાં 25 ટકા જવાબદારી રાજ્યોને આપી હતી. રાજ્યોને એની તકલીફોનું ભાન થયું અને એમાં ફેરવિચારણા કરવા કહ્યું. કેન્દ્ર સહમત થઈ અને હવે એ 25 ટકા જવાબદારીમાંથી રાજ્યોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. દેશવાસીઓને કોરોના રસી આપવાની એ 25 ટકા જવાબદારી પણ કેન્દ્ર જ ઉઠાવશે. 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ છે અને ત્યારથી કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને એ માટે મફતમાં રસી આપશે. જેથી દરેક રાજ્યમાં 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને રસી આપી શકાય. રાજ્યોને એ રસી કેન્દ્ર મફત પૂરી પાડશે. રાજ્યોએ એ માટે કોઈ ખર્ચ કરવો નહીં પડે. હવેથી દેશમાં સમગ્ર રસીકરણ કાર્યક્રમમાં 75 ટકા હિસ્સો/જવાબદારી કેન્દ્ર સરકારના રહેશે અને 25 ટકા રસી ખાનગી હોસ્પિટલોને પૂરી પાડીશું.

મોદીએ બીજી જાહેરાત એ કરી કે ગયા વર્ષે લોકડાઉન વખતથી શરૂ કરાયેલી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને આવતા દિવાળી પર્વ (નવેમ્બર) સુધી લંબાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે આ યોજના અંતર્ગત દેશના કરોડો ગરીબ લોકોને અન્ન પર્યાપ્ત પ્રમાણમાં પૂરું પાડવામાં આવશે. આનો લાભ ૮૦ કરોડ લોકોને મળશે, એમને મફત અનાજનો લાભ મળશે.

મોદીએ વધુમાં કહ્યું કે, વેક્સિનેશન કાર્યક્રમને હવે વધારે ગતિ આપવામાં આવશે. અનેક વિકસીત દેશો કરતાંય આપણે ત્યાં રસીકરણ ઝુંબેશ તેજ છે. અનેક દેશોએ ભારતના કોવિન પ્લેટફોર્મની પ્રશંસા કરી છે. દેશમાં વધુ ત્રણ રસીનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. નાના બાળકોને વાઈરસ સામે રક્ષણ આપવા માટે બે રસીની અજમાયશનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત દેશમાં નેઝલ રસી ઉપર પણ સંશોધન ચાલુ છે. એમાં સિરીંજ દ્વારા રસી ન આપીને માત્ર નાકમાં જ ટીપાં નાખવામાં આવશે.