નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી 11 ઓક્ટોબરે ભારતની મુલાકાતે આવશે, અહીં તેમની વડાપ્રધાન મોદી સાથે બીજી અનૌપચારિક શિખર વાર્તા થશે. વિદેશ મંત્રાલય તરફથી આ જાહેરાત કરવામાં આવી. મંત્રાલયે કહ્યુ કે, આ શિખર વાર્તા બંન્ને નેતાઓને દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મહત્વના વ્યાપક મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખવાનો અવસર પ્રદાન કરશે. મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાનના આમંત્રણ પર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ના પ્રમુખ શી જિનપિંગ અનૌપચારિક શિખર વાર્તા માટે 11-12 ઓક્ટોબર 2019ના રોજ ચેન્નાઈ આવશે.
શિખર વાર્તા ચેન્નાઈની નજીક પ્રાચીન તટીય શહેર મામલ્લાપુરમમાં થશે. મંત્રાલયે કહ્યું કે, શિખર વાર્તા દરમ્યાન બંન્ને દેશ ભારત-ચીન વિકાસ ભાગીદારીને વધુ મજબૂત કરવા વિચાર વિમર્શ કરશે.
તો આ તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન પહોંચ્યા બાદ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રા પહેલા ચીને એક મહત્વપૂર્ણ નિવેદનમાં કહ્યું કે, કશ્મીર મુદ્દાનો ઉકેલ ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત કરીને જ લાવવો પડશે. ચીને સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને પોતાના તાજેતરના સંદર્ભોને છોડતા આ વાત કરી હતી.