આણંદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં અમૂલ ડેરીના ચોકલેટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ માસ 1000 ટનની છે.
પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે કરેલા સંબોધનમાં મોદીએ અમૂલ ડેરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને એને સશક્તિકરણ માટેનું આદર્શ મોડલ તરીકે ઓળખાવ્યું હતું.
મોદીએ કહ્યું કે, આજે અમૂલ ડેરી-બ્રાન્ડ દુનિયાભરમાં એક પ્રેરકબળ બની ગયા છે. વિદેશમાંથી પણ મને લોકો અમૂલ વિશે પૂછે છે. અમૂલ માત્ર મિલ્ક પ્રોસેસિંગ કંપની છે એટલું જ નહીં, એ સશક્તિકરણનું આદર્શ મોડલ પણ છે.
મોદીએ વિદ્યા ડેરીના રૂ. 20 કરોડના આઈસક્રીમ પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું તેમજ આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના ઈનક્યૂબેશન-કમ-સેન્ટર ફોર એક્સેલન્સ ઈન ફૂડ પ્રોસેસિંગનું પણ ઉદઘાટન કર્યું હતું.
અમૂલ ડેરીની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતું અમૂલનું વ્યંગચિત્ર. અમૂલના ગમ્મતવાળા કાર્ટૂનોએ લોકોમાં ભારે આકર્ષણ અને લોકપ્રિયતા જમાવ્યા છે.