નવી દિલ્હીઃ કોરોના રોગચાળા સામેના રસીકરણની ઝુંબેશના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાનોને કોરોના રસીકરણના રસી લાગશે. રસીકરણના બીજા તબક્કામાં દેશના 75 ટકા સંસદસભ્યો અને નેતાઓને રસી આપવામાં આવશે. દેશમાં અનેક દિગ્ગજ નેતાઓની ઉંમર 80 વર્ષથી વધુ છે, તેમને રસીકરણ કાર્યક્રમમાં પ્રાથમિકતા અપાશે. આ નેતાઓમાં બે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડા પણ સામેલ છે.દેશમાં હાલ રસીકરણનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે, જેના હેઠળ સાત લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. હવે બીજા તબક્કામાં સેના, અર્ધસૈનિક દળના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ કરવામાં આવશે. જોકે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે એનો સમય નક્કી નથી, પણ બીજા તબક્કાની માર્ગદર્શિકા નક્કી છે. આ તબક્કામાં વડા પ્રધાન મોદી સહિત મોટા ભાગના રાજ્યોના સીએમ, રાજ્યપાલ સહિત ઘણા વીવીઆઈપીને રસીકરણ કરાશે, કારણ કે દરેકની ઉંમર 50 વર્ષથી વધુ છે.
સરકારે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે રસીકરણનો કાર્યક્રમ અલગ-અલગ તબક્કામાં પૂરો કરવામાં આવશે. બીજો તબક્કો એપ્રિલથી શરૂ થાય એવી શક્યતા છે. લોકસભામાં 300થી વધુ અને રાજ્યસભામાં લગભગ 200 સાંસદ 50 વર્ષની ઉંમરને પાર કરી ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનને જ મંજૂરી મળી છે. આ સિવાય ચાર વેક્સિન પર કામ ચાલી રહ્યું છે.