નવી દિલ્હી – વિવિધ પ્રકારના જાહેર ક્ષેત્રોમાં દેશની દીકરીઓએ હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ એમનું સમ્માન કરવાનો એક કાર્યક્રમ શરૂ કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતાને અનુરોધ કર્યો છે.
આજે પોતાના માસિક મન કી બાત રેડિયો કાર્યક્રમમાં સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આપણે દિવાળીની ભેટસોગાદો તથા મીઠાઈની એવા લોકો સાથે વહેંચણી કરવી જોઈએ જેથી જેમને આ બધું પરવડી શકતું ન હોય એમને ત્યાં પણ આનંદ આવે.
મોદીએ કહ્યું કે લોકો દિવાળીના પર્વમાં માતા લક્ષ્મીને એમનાં ઘરોમાં આવકાર આપતાં હોય છે, કારણ કે એવું મનાય છે કે લક્ષ્મીજી સમૃદ્ધિ અને ખુશી લાવે છે.
‘દીકરીઓને આપણી સંસ્કૃતિમાં લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે… શું આપણે આપણા ગામડાઓની અને શહેરોની દીકરીઓને જાહેર કાર્યક્રમો યોજીને સમ્માનિત કરી ન શકીએ?’ એવું સૂચન મોદીએ રેડિયો કાર્યક્રમ દ્વારા કર્યું છે. એમણે કહ્યું કે આપણા સમાજમાં એવી અનેક મહિલાઓ છે જેઓ એમની ટેલેન્ટ દ્વારા સિદ્ધિસમાન કામો કરી રહી છે.
‘એવી ઘણી દીકરીઓ અને પુત્રવધુઓ છે જેઓ અસાધારણ રીતે સરસ કામ કરી રહી છે… કોઈક ગરીબ બાળકોને ભણાવી રહી છે તો કોઈક આરોગ્ય અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવી રહી છે. ઘણી સ્ત્રીઓ ડોક્ટરો, એન્જિનીયર તરીકે સેવા બજાવી રહી છે… તો વકીલ બનીને લોકોને ન્યાય અપાવવામાં મદદરૂપ થઈ રહી છે. સમાજે આવી દીકરીઓને ઓળખીને દેશભરમાં એમનું સમ્માન કરવું જોઈએ,’ એમ મોદીએ કહ્યું છે.
જનતા સાથે સોશિયલ મિડિયા દ્વારા સંકળાયેલા રહેવા માટે મોદી જાણીતા છે. એમણે કહ્યું કે આપણે ‘ભારત કી લક્ષ્મી’ હેશટેગનો ઉપયોગ કરીને સોશિયલ મિડિયાના મંચો પર એવી દીકરીઓ, સ્ત્રીઓની કામગીરીને બિરદાવી શકીએ.
આમ કહીને મોદીએ ‘સેલ્ફી વિથ ડોટર’ નામની ઝુંબેશને ભૂતકાળમાં કેવી સફળતા મળી હતી એની યાદ અપાવી હતી. ‘ભારત કી લક્ષ્મીને પ્રોત્સાહિત કરવાનો અર્થ દેશની અને દેશની જનતાની સફળતાના પથને મજબૂત બનાવવાનો છે.’