જયપુરઃ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ખૂબ ઊંચા છે ત્યારે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે જો ટ્રાન્સપોર્ટને લગતી અમુક શરતોનું પાલન કરવામાં આવે તો દેશમાં ઈંધણનો ભાવ પ્રતિ લીટર 15 રૂપિયા સુધી નીચે જઈ શકે એમ છે.
એક જાહેર સભાને સંબોધિત કરતાં ગડકરીએ કહ્યું હતું કે, જો સરેરાશ 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળી લેવામાં આવે તો દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર 15 રૂપિયા જેટલા ઓછા ભાવે મળી શકે. દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર 15 રૂપિયે મળે તે એક સપનાની વાત જેવું લાગે, પણ આ પરિસ્થિતિ વાસ્તવિક બની શકે જો પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડી દેવામાં આવે અને લોકો એમના વાહનો ચલાવવા માટે વીજળી અને ઈથેનોલનો વપરાશ વધારી દે તો. આમ થાય તો પ્રદૂષણ અને આયાત, બંને ઘટી જાય. હાલ રૂ.16 લાખ કરોડની આયાત કરવામાં આવે છે અને જો આ રકમ બચી જાય તો એ ખેડૂતોને મળતી થાય.