પટણાઃ બિહારમાં ઉંદરોનો બહુ ત્રાસ છે. ઉંદરો ઘણીવાર એવા કારનામા કરી બેસે છે કે પછી સરકાર પણ ધંધે લાગી જાય છે. બિહારના ઉંદરો સામાન્ય નથી ખાસ છે અને ક્યારેક તો તેઓ દારુની બોટલોમાંથી દારુ પણ પી જાય છે, ક્યારેક શિક્ષકોની ફાઈલો કોતરી નાંખે છે અને ક્યારેક દર્દીઓની દવા પણ પી જાય છે.
ત્યારે હવે બિહારમાં ગોટાળો કરનારા આ ઉંદરોને આરજેડી નેતાની મદદથી રાબડી દેવીએ પિંજરામાં કેદ કરી લીધા છે અને આજે આ ઉંદરોને લઈને આરજેડી નેતા વિધાનસભામાં પહોંચી ગયા અને કહ્યું કે, બિહારના ઉંદરોને વિધાનસભામાં રજૂ થવું પડશે અને આ લોકોને બિહાર સરકાર કડક સજા પણ આપશે.
ઉલ્લેખનીય છે કે બિહારની રાજનીતિમાં ઉંદરોની બોલબાલા છે. બિહારમાં જ્યારે પૂર આવ્યું તો તેનો આરોપ આ ઉંદરો પર લાગ્યો કે ઉંદરોએ પૂલને કોતરી ખાધો અને તેના કારણે પૂર આવ્યું. પછી બિહારમાં દારુબંધી બાદ જ્યારે દારુની બોટલો જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી ત્યારે બોટલો ખાલી મળી આવી અને ફરીથી આરોપ ઉંદરો પર લાગ્યો કે, ઉંદરો અનેક બોટલોમાંથી દારુ પી ગયા.
ત્યારે આજે આરજેડી નેતાઓએ વિધાનસભા બહાર પિંજરામાં બંધ ઉંદર સાથે અનોખું પ્રદર્શન કર્યું. આરજેડી નેતા સુબોધ રાય પિંજરામાં બંધ ઉંદરો સાથે વિધાનસભામાં પહોંચ્યા અને દાવો કર્યો કે અમે બિહારમાં ગોટાળાના આરોપી ઉંદરોને પકડી લીધા છે.
વિધાનસભામાં શૂન્યકાળ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉંદરોને લઈને ખૂબ તૂતૂ-મેંમેં થઈ. સદનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની ઉપસ્થિતિમાં આરજેડીના સુબોધ રાય સરકારમાં ગોટાળો કરનારા ઉંદરોને લઈને કાર્યવાહીની માંગ કરતા રહ્યા. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજા સાથે બાખડ્યા પણ ખરા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હસતા રહ્યા. પછી આક્ષેપ-પ્રતિઆક્ષેપને જોતા નીતિશ કુમાર સદનમાંથી બહાર નિકળી ગયા.
સુબોધ રાયે વારંવાર માંગણી કર્યા બાદ રજનીશે સભાપતિ પાસેથી માંગ કરી કે, આરજેડી નેતા સુબોધ રાયે ઉંદરને પકડી રાખ્યું છે અને એટલા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ ઘટનાક્રમ વચ્ચે નારાયણ પાંડેએ કહ્યું કે, ઉંદર તો રાંચી જેલમાં બંધ છે. આવું સાંભળતા જ રાબડી દેવી સીટ પર ઉભા થઈ ગયા અને ભાજપ પર પ્રહારો કર્યા.
આ તમામ ઘટનાક્રમ ઉગ્ર સ્વરુપ ધારણ કરે તે પહેલા જ સભાપતિએ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને બધાને સમજાવ્યા બાદ મામલો શાંત થયો.